Mysamachar.in-જામનગર:
જામનગર સહિત રાજ્યભરમાં ‘ગુજસીટોક’ લાંબા સમયથી ભારે ચર્ચામાં છે. આ વટહુકમ હેઠળ સમગ્ર રાજયની સૌ પ્રથમ ફરિયાદ જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ સહિતની ટોળકી સામે ફરિયાદ નોંધાઈ હતી, આ વટહુકમમાં વિધાનસભામાં સરકારે બે નોંધપાત્ર સુધારાઓ કર્યા છે. જે આ પ્રમાણે છે. અગાઉનાં વટહુકમમાં જમીન કૌભાંડ સહિતનાં જે ગુનાઓનો સમાવેશ હતો તેમાં મોટાં જૂગારકૌભાંડ (ક્લબ વગેરે)નો સમાવેશ થતો હતો. બુધવારે કરવામાં આવેલાં સુધારામાં આ જૂગારનાં ગુનાને યાદીમાંથી બાકાત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય એક સુધારો એવો કરવામાં આવ્યો છે કે, અત્યાર સુધી ગુજસીટોક હેઠળ એવાં ગુનાઓને પણ આવરી લેવામાં આવતાં હતાં જે આ અધિનિયમની બહારનાં હોય પરંતુ અન્ય અધિનિયમ હેઠળ ગુના હોય. તેમાં સુધારો કરીને માત્ર આ અધિનિયમ હેઠળનાં ગુનાઓનો જ હવે ગુજસીટોક માં સમાવેશ કરી શકાશે.
આ નવી જોગવાઈ મુજબ, કલમ 2-ની પેટા-કલમ (1)નો ખંડ (ચ)માં “ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, મોટા પ્રમાણમાં જુગારના કૌભાંડ ચલાવવા, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકીંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની તેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને આતંકવાદી કૃત્ય ચાલુ રાખવું તે” એ શબ્દોને બદલે, “ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકીંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવી તે” એ શબ્દો મૂકવામાં આવ્યા છે.
-ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે..
આ સુધારા વિધેયક સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું અને ચર્ચા દરમિયાન ગૃહમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના 2021 નાં રિપોર્ટ અનુસાર, ગુજરાત મોટા ગુનાઓની દ્રષ્ટિએ દેશનાં 36 રાજ્યોમાં છેલ્લી હરોળમાં છે, જે ગુજસીટોકને આભારી છે.