Mysamachar.in:જામનગર
દ્રશ્યમ ફિલ્મ તો સૌને યાદ હશે જેમાં એક યુવકને મારીને ઘરમાં જ ખાડો ખોદી તેમાં દાટી દેવામાં આવે છે.આમ જ ફિલ્મને સ્ટોરીને ટક્કર મારે તેવી એક રીયલ ઘટના જામનગર જીલ્લાના ધ્રોલમાંથી સામે આવી છે, જ્યાં પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા પ્રથમ ગળું દબાવી હત્યા નિપજાવ્યા બાદ ઘર નજીક સેફટી ટેંક પાસે ખાડા ખોદી તેમાં દાટી દઈ અને પુરાવાનો નાશ કર્યાનો હચમચાવી દેતી ઘટનામાં ધ્રોલ પોલીસે હત્યા અને પુરાવાનો નાશ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી અને હત્યારા પતિને લોકઅપ ભેગો કરી દીધો છે.
આ અંગે મળતી વિગતો મુજબ જામનગર જીલ્લાના ધ્રોલમાં ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે તેવી એક ઘટના સામે આવી છે, ધ્રોલ ટાઉનમાં રહેતી સોનલ છેલ્લા પાંચેક દિવસથી લાપતા બનેલી યુવતીની શોધખોળ પછી આખરે હત્યાનો મામલો સામે આવ્યો છે. ચારિત્ર્ય પર શંકા કરીને પતિએ પોતાની પત્નીનું ગળું દબાવીને ક્રુરતાથી હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને પોતાના જ ઘરના ફળિયામાં દાટી દેવાનો આ મામલો જયારે સામે આવ્યો ત્યારે પોલીસ પણ એક તબક્કે વિચારતી રહી ગઈ હતી. આ ચકચારી હત્યાની ઘટનામાં ધ્રોલ પોલીસે હત્યારા પતીની અટકાયત કરીને ફળિયામાં ખાડો ખોદીને મૃતદેહને બહાર કાઢી જામનગર જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં જ્યાં પોસ્ટમોર્ટમ રીપોર્ટ અનુસાર સોનલનું ગળું દબાવી હત્યા નિપજાવ્યાનું સામે આવતા તેણીની માતાની ફરિયાદને આધારે પતિ મનસુખ ચૌહાણ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.
ઘટના કઈક એવી રીતે સામે આવી કે દીકરીનો પાંચેક દિવસથી સંપર્ક ના થતા મૃતક સોનલબેનના માતા જશુબેન તેઓ ધ્રોલ દોડી આવ્યા હતા, અને પોતાની પુત્રી સોનલ વિશે સોનલના પતિ મનસુખ હીરજી ચૌહાણને પૂછપરછ કરી હતી. પરંતુ તેને સરખો જવાબ ન આપતા મામલો ધ્રોલ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને જશુબેને ધ્રોલ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.ગત રાત્રીએ ધ્રોલ પોલીસે મનસુખ ચૌહાણને પોલીસ મથકે બોલાવ્યો હતો અને તેની આગવી ઢબે પૂછપરછ કરતાં આખરે તેણે પોતાની પત્નીની ગળું દબાવીને હત્યા કર્યું હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું.
આરોપી મનસુખે પત્ની સોનલ કે જે અન્ય કોઈ પુરુષ સાથે અનૈતિક સંબંધો ધરાવે છે, તેવી શંકા વ્યક્ત કરતો હતો, અને તે શંકા ના કારણે પત્ની સોનલને ઘર પાસે જ આવેલા ઈંટોના ભઠ્ઠામાં લઈ ગયો હતો, અને ત્યાં તેનું ગળું દબાવી હત્યા નીપજાવી હતી ત્યારબાદ મોડી રાત્રે મૃતદેહ ને પોતાના ઘેર લઈ આવી ફળિયામાં સેફટી ટેકની બાજુમાં ખાડો બનાવ્યો હતો અને તે ખાડામાં મૃતદેહને કાઢી લઈ મૃતદેહ પર પથ્થર અને માટી નાખી દઈ જમીન સમથળ કરી નાખી હતી, સમગ્ર મામલો પોલીસ સમક્ષ પહોચતા મૃતકની માતાની સહમતીથી ધ્રોલ પોલીસે ખાડો ખોદાવીને તેમાંથી સોનલબેનના મૃતદેહને બહાર કાઢી જામનગરની જી.જી. હોસ્પિટલમાં તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે. ધ્રોલ પોલીસ દ્વારા મૃતક સોનલબેનની માતા જશુબેનની ફરિયાદના આધારે મનસુખ હીરા ચૌહાણ સામે હત્યા અને પુરાવાનો તેમજ પુરાવાનો નાશ કરવા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેની અટકાયત કરી લીધી છે.