Mysamachar.in-અમદાવાદ:
પોલીસ ન કરવાનું ઘણું કરતી હોય છે અને કરવાના કામો ન કરતી હોય, એ અંગે સામાન્ય લોકોના અભિપ્રાય ઘણી વખત અસામાન્ય પણ હોય છે. હવે પોલીસના મામલામાં એક હોદ્દેદારનો લંબાણથી લખાયેલો ધારદાર અને સત્તાવાર પત્ર સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ લખાયેલું છે કે, પોલીસે શું કરવું જોઈએ અને શું શું ન કરવું જોઈએ.
રાજ્યના ડાયરેક્ટર ઓફ પ્રોસિકયુશને રાજ્યના પોલીસવડાને એક પત્ર લખ્યો છે. અંબાલાલ પટેલ નામના આ મહાનુભાવે લખેલાં પત્રમાં જણાવાયું છે કે, નાગરિકોની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક નોંધવામાં આવતી નથી, લોકોને ધક્કા ખાવા પડે છે. તાકીદે ફરિયાદ નોંધવા બાબતે લખવામાં આવેલા આ પત્રમાં ખોટી ફરિયાદો અંગે પણ લખવામાં આવ્યું છે.
પત્રમાં જણાવાયું છે કે, વૈવાહિક-તબીબી ઉપેક્ષા અને વેપારી વ્યવહારો જેવી બાબતોની ફરિયાદ સંબંધે સીધી ફરિયાદ દાખલ નહીં કરીને પ્રથમ ત્વરિત ઈન્કવાયરી કરવી અને જો પ્રથમ દર્શનીય રીતે ગુનો બનતો હોય તો, મંજૂરી મેળવીને ફરિયાદ દાખલ કરવી. મહિલાઓ સંબંધે ભારતીય ન્યાયસંહિતા-2023ની કલમો હેઠળની ફરિયાદો મહિલા પોલીસ દ્વારા લેવાની રહેશે અને તેનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું રહેશે.
આ ઉપરાંત આ પત્રમાં લખાયું છે કે, 7 વર્ષ સુધીની જોગવાઈના ગુનાઓ માં કોગ્નીઝેબલ ફરિયાદ દાખલ કરવાની રહેશે. પરંતુ તેની તપાસની કામગીરીઓ માટે નાયબ પોલીસ અધિક્ષકની પરવાનગી લઈને એ પ્રથમ દ્રષ્ટિએ ગુનો બને છે કે કેમ, તેની ઈન્કવાયરી કરવાનો અધિકાર રહેશે. આ ઈન્કવાયરી 14 દિવસમાં પૂરી કરવાની રહેશે. જો પ્રથમ દ્રષ્ટિએ ગુનો બનતો જણાય તો, તપાસની કાર્યવાહીઓ વગર વિલંબે આગળ વધારવાની રહેશે.
પોલીસ ફરિયાદ દાખલ કરવી અને ગુનાની તપાસ કરવી એ બે અલગ બાબતો છે. જેથી કોઈ પણ ફરિયાદીની ફરિયાદ નોંધી લીધાં બાદ તેને મેરીટના આધારે તપાસ કાર્યવાહીઓ કરવાનો તપાસ એજન્સીને અધિકાર છે. તેથી ફરિયાદ દાખલ કરવામાં વિલંબ કરવો નહીં.
તપાસ દરમિયાન ફરિયાદ સિવિલ નેચરની હોય કે ખોટી જણાય તો, ભારતીય નાગરિક ન્યાય સુરક્ષા સંહિતાની કલમ-189 મુજબ રિપોર્ટ કરી, સમરી ભરીને કોર્ટમાં મોકલી આપવી. કોઈ પણ વ્યક્તિના દબાણ કે પ્રભાવમાં આવ્યા વગર નિષ્પક્ષ અને તટસ્થ રીતે ફરિયાદ નોંધવાની રહેશે. જે બનાવ બન્યો હોત તે બનાવના સંદર્ભે ફરિયાદમાં લાગુ પડતી કલમો લખવાની રહેશે. કોઈ પણ વ્યક્તિના દબાણ કે પ્રભાવમાં આવ્યા વગર જે વ્યક્તિએ ગુનો આચર્યો હોત, તેને જ આરોપી તરીકે લેવી. કોઈ ખોટી વ્યક્તિને આરોપી બનાવવી નહીં. આ પત્રની નકલ તમામ તપાસનીશ અધિકારીઓને પાઠવવા માટે તાકીદ પણ કરવામાં આવી છે.