Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતનાં શિક્ષણ જગતમાં નવાજૂની માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. અંદાજે 550 શાળાઓનાં સંચાલકોની એક બેઠક યોજાઇ હતી જેમાં શાળા સંચાલકો સરકાર પાસેથી વધુમાં વધુ છૂટછાટ મેળવવાની ગણતરી રાખતાં હોવાનું જાહેર થયું છે. આચાર્યો અને શિક્ષકો સહિતની ભરતીઓમાં શાળા સંચાલકો પોતાનો હિસ્સો માંગી રહ્યા છે અને આ અંગે બેઠકમાં ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે. આ બેઠકમાં વિવિધ આઠ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
રાજયની 550 શાળાઓનાં સંચાલકોની આ બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે કે, શાળાઓમાં સરકાર 2:1 નું ભરતી પ્રમાણ ગોઠવે. એટલે કે, ત્રીજાં ભાગનાં સ્ટાફની નિમણૂંક શાળા સંચાલકો કરે અને 66 ટકા સ્ટાફની ભરતી સરકાર કરે. આ ઉપરાંત સરકાર તરફથી શાળાઓને મળતી ગ્રાન્ટની રકમમાં વધારો કરવામાં આવે એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આગામી સમયમાં આ તમામ મુદ્દે સંચાલકો સરકારમાં રજૂઆત કરશે અને જો તેઓની માંગણીઓ અંગે સરકાર હકારાત્મક અભિગમ ન દાખવે તો આગળનાં કાર્યક્રમો જાહેર કરવા એવું પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. શાળા સંચાલકોએ એવી પણ માંગણી કરી છે કે, આચાર્યો અને શિક્ષકો તેમજ કારકૂન અને પટાવાળાઓની ભરતી ઉપરાંત પ્રાયોગિક શિક્ષકો અને ગ્રંથપાલ સહિતની ભરતીઓમાં શાળા સંચાલકોને સતાઓ આપવામાં આવે.
આ ઉપરાંત હાલમાં ફી કમિટી દ્વારા શાળાઓમાં લઘુત્તમ ફી નક્કી કરવામાં આવે છે આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં લઘુમતી સંચાલિત શાળાઓમાં પુનઃ વધુ છૂટછાટ આપવામાં આવે એ મુદ્દે પણ ચર્ચા થઈ હતી. આ સાથે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓમાં વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની લઘુત્તમ અને મહત્તમ સંખ્યા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આમ જુદાં જુદાં આઠ મુદ્દાઓ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં આ મુદ્દાઓ અંગે સરકારમાં વિસ્તૃત રજૂઆત કરવાનું તથા જરૂર પડ્યે આ માંગણીઓના અનુસંધાને આગળનાં કાર્યક્રમો જાહેર કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.એક તરફ વિધાનસભા ચૂંટણી આવી રહી છે. અને બીજી તરફ સરકાર અને વિપક્ષનાં પ્રચારો અને નિવેદનોમાં શિક્ષણનો મુદ્દો ગાજી રહ્યો છે ત્યારે જ શાળા સંચાલકોએ ધોકો પછાડવાની તૈયારી કરી હોય, આગામી સમયમાં રાજ્યનાં શિક્ષણજગતમાં નવાજૂનીનાં એંધાણ વર્તાઇ રહ્યા છે.