Mysamachar.in-સુરત:
ગુજરાતમાં તોતિંગ કૌભાંડો અને તેમાં કલેક્ટર કક્ષાના અધિકારીઓની સંડોવણી એક કરતાં વધુ પ્રકરણોમાં સમયાંતરે બહાર આવી રહી હોય હવે લોકો એમ વિચારતાં થયા કે, વૃક્ષારોપણ અને રન ફોર નેશન જેવી દોડમાં લીલીઝંડી આપતાં IAS અધિકારીઓ અસલમાં, કચેરીઓમાં બેસી શું શું કરી શકતા હોય છે, અને અહીં સવાલ એ પણ હોય છે કે, આવા કૌભાંડ સ્થાનિક નેતાઓની જાણ બહાર હોય શકે છે ?! વધુ એક કલેક્ટર સસ્પેન્ડ થતાં ચર્ચાઓ ફરી શરૂ થઈ છે.
સુરત ગુજરાતનું મુંબઈ બની ચૂક્યું છે. અહીં જમીન સોના કરતાં પણ અનેકગણી કિંમતી બની ગઈ છે. કચ્છ અને ગાંધીનગરના તત્કાલીન કલેકટરોને સંડોવતા કૌભાંડો પછી હવે સુરતના કૌભાંડે સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે. અહીંનું જાહેર થયેલું એક જમીન કૌભાંડ રૂ. 5,000 કરોડનું હોવાનું બહાર આવતાં સરકારે તત્કાલીન કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરી દીધાં છે અને નજરકેદ જેવી સ્થિતિમાં રાખ્યા છે.
કહેવાય છે કે, આ તોતિંગ જમીન કૌભાંડનો લાભ 22 લોકોને પ્રાપ્ત થયો છે. જે પૈકી 3 સુરતના છે અને બાકીના લાભાર્થીઓ મુંબઈના છે. મુંબઈ તો આમ પણ માયાનગરી છે જ. અગાઉ સુરતના કલેક્ટર તરીકે રહેનાર આયુષ ઓક હાલ વલસાડ કલેક્ટર છે, જ્યાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને એમના પર એવો આરોપ છે કે, સરકારના એક રિપોર્ટમાં જે જમીનોને સરકારી જાહેર કરવામાં આવી હતી, તેવી જમીનો આ અધિકારીએ 22 ખાનગી પાર્ટીઓના નામે સરકારી રેકર્ડ પર ચડાવી દીધી.
સુરત અને ગાંધીનગરમાં એવું સૌ કોઈ માની રહ્યા છે કે, નેતાઓની મદદ વિના આ કૌભાંડ શક્ય ન બને. આટલી હિંમત એકલાં કલેક્ટર ન કરી શકે. આ મામલો છેક વડાપ્રધાન કાર્યાલય પહોંચ્યો હતો. જયાંથી રાજ્ય સરકારને કહેવાયું: તપાસ સમિતિની રચના કરો. આ મામલામાં કલેક્ટરે સહી કરેલાં આ કાગળો વેરીફિકેશન માટે FSLમાં પણ મોકલવામાં આવ્યા હતાં.
FSL રિપોર્ટના આધારે સરકારે કલેક્ટરને સસ્પેન્ડ કર્યા છે. ગત્ ફેબ્રુઆરીમાં કૌભાંડ ગાજતાં સરકારે આ અધિકારીની બદલી કરી હતી. બદલીના આગલા દિવસે જ તેણે આ કાગળો પર સહીઓ કરી હતી, એવું પણ બહાર આવ્યું છે. સુરતના ડુમસ એરપોર્ટ નજીક આવેલી 52 એકર જમીન આ મામલા સાથે સંકળાયેલી છે. આ સરકારી જમીનો 22 ખાનગી પાર્ટીઓના નામે ચડાવી દેવામાં આવી છે.
આ તપાસસમિતિએ એક કરતાં વધુ વખત હિઅરિંગ કરેલું. ગત્ સપ્તાહે છેલ્લી સુનાવણીએ આ કલેક્ટરને દોષિત ઠેરવવામાં આવ્યા. જે લાભાર્થીઓના નામો બહાર આવ્યા છે. તે લાભાર્થીઓનો દાવો છે કે, તેઓ આ જમીનોના ધારકો આઝાદી પહેલાંના સમયથી છે. ભૂતકાળમાં 1976 તથા 2005 માં પણ આ જમીનોનો વિવાદ જુદી રીતે બહાર આવેલો. ત્યારે શાહ બંધુઓના નામો ચમક્યા હતાં.