Mysamachar.in-ગાંધીનગર:
પોલીસ પ્રજાની મિત્ર છે-એ સૂત્ર ઘણાં વર્ષોથી સરકાર અને પોલીસ વિભાગ દ્વારા પ્રચારિત થાય છે. આ સૂત્રની અત્યાર સુધીમાં શું અસરો પેદાં થઈ ? તે પ્રશ્નનાં જવાબમાં મતમતાંતર હોય શકે. પરંતુ ખુશીની વાત એ છે કે, પોલીસ પોતાની ‘છાપ’ સુધારવા સતત પ્રયત્નશીલ છે. પોલીસ જાણે છે કે, પોલીસ અને પ્રજા વચ્ચે, આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ ભરોસો અને સહયોગ ખૂટે છે અથવા પર્યાપ્ત નથી. તેથી વધુ એક વખત પોલીસ વિભાગે આ દિશામાં આગળ વધવા પ્રથમ પગલું ભર્યું છે.
એક રિપોર્ટ કહે છે: ગુજરાત પોલીસની ઇચ્છા એવી છે કે, પોલીસ અને પબ્લિક વચ્ચે ભરોસો તથા સહયોગનું વાતાવરણ રચાય. આ માટે રાજ્યનાં પોલીસ વિભાગે નાગરિકો પાસેથી સૂચનો એકત્ર કરવાની દિશામાં અને એ સૂચનોનો શક્ય એટલો વધુ અમલ કરવાની દિશામાં આગળ વધવાનો નિર્ણય જાહેર કર્યો છે.
ગુજરાત પોલીસની સુરક્ષા સેતુ સોસાયટી આ માટે આગળ આવી છે. તેણે આ initiative નો પ્રારંભ કર્યો છે. અમદાવાદમાં આ જાહેરાત કરી દેવામાં આવી છે. આ સોસાયટીએ એક પત્ર લખ્યો છે, જેમાં જણાવાયું છે કે નાગરિકો પોલીસમાં કેવાં પ્રકારના સુધારાઓ ઈચ્છે છે એ અંગે વધુમાં વધુ 10 મહત્વનાં સૂચનો પોલીસ વિભાગને મોકલે. આ ઉપરાંત લોકો વધુમાં વધુ 33 એવાં કાર્યક્રમો અંગે પણ સૂચન કરી શકશે, જે કાર્યક્રમો પોલીસ અને પબ્લિક વચ્ચે ભરોસો તથા સહયોગનું વાતાવરણ નિર્મિત કરી શકે.
પોલીસ સુધારા વિભાગમાં ગત્ અઢાર ઓક્ટોબરે IPS અનિલ પ્રથમને DGP તરીકે જાહેર કરવામાં આવ્યા પછી, આ વિભાગનો આ પ્રથમ એવો નિર્ણય છે, જે રાજ્યભરમાં તમામ જગ્યાએ લાગુ કરવામાં આવશે. પોલીસ ઇચ્છે છે કે, નાગરિકો – નાગરિક સમિતિઓ – સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરે આ કાર્યક્રમમાં જોડાય. અને, પોલીસ તથા પબ્લિક વચ્ચે એક સુંદર વાતાવરણ તથા વ્યવસ્થાનું નિર્માણ થાય. લોકોને ઘરે બેઠા પોતાની જરૂરિયાત અનુસાર પોલીસસેવાઓનો લાભ મળે તથા પબ્લિકને એવું ફીલ થાય કે, પોલીસ આપણી મિત્ર છે.
પોલીસ વિભાગમાં ઘણાં અધિકારીઓ એવું માની રહ્યા છે કે, પોલીસ અધિકારીઓ મોટાભાગના કિસ્સાઓમાં લોકો સાથે ફ્રેન્ડલી વાતાવરણ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. પરંતુ પબ્લિક સાથે સીધાં સંપર્કમાં આવતાં કોન્સ્ટેબલ કક્ષાના પોલીસકર્મીઓનો વ્યવહાર પબ્લિકને અણગમતાં અનુભવો કરાવે છે જેને પરિણામે સમગ્ર પોલીસવિભાગની પ્રતિષ્ઠા પર અસરો પેદાં થાય છે. આ પ્રકારના પોલીસકર્મીઓને પબ્લિક સાથે કેવી રીતે વર્તન કરવું ? એ અંગે કોઈ તાલીમ આપવામાં આવતી નથી ! SP રેન્કનાં એક અધિકારીએ કહ્યું: ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સ્થિતિ સુધારવી પણ આવશ્યક છે. એક કોન્સ્ટેબલ કહે છે: લોકોનાં મનમાંથી પોલીસનો ડર ઘટે અને પોલીસ પબ્લિકની મિત્ર છે એવી લાગણી પબ્લિકમાં જન્મે તે માટે પોલીસકર્મીઓએ લોકો સાથેનાં પોતાનાં વર્તન પર ધ્યાન આપવું આવશ્યક છે.
પોલીસ ટ્રેનિંગ વિભાગના DGP વિકાસ સહાય કહે છે: અમે તમામ રેન્કનાં પોલીસકર્મીઓની સોફ્ટ સ્કીલ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. પબ્લિક સાથે વાત કરતી વખતે પોલીસે કેવાં પ્રકારની ભાષાનો પ્રયોગ કરવો તથા વર્તન અને બોડી લેન્ગવેજ કેવાં રાખવા ? તે અંગે પણ તાલીમ આપવામાં આવી રહી છે. અત્રે એ પણ નોંધનીય છે કે, વર્ષ 2020-2021 માં ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં મોતની સંખ્યા મોટી રહ્યાનો રિપોર્ટ કેન્દ્ર સરકારે પ્રગટ કર્યો છે. જેને કારણે પોલીસ પર દબાણ વધ્યું છે. પોલીસ સુધારા વિભાગમાં DGP તરીકે ફરજ બજાવતા અનિલ પ્રથમ કહે છે: અમારી પ્રથમ પ્રાયોરિટી એ છે કે, નાગરિકો પાસેથી આ અંગેનાં સૂચનો અમે મેળવી લઈએ અને એ સૂચનોનો અભ્યાસ કરીએ.