Mysamachar.in-સુરત
પતિ-પત્ની વચ્ચે અવારનવાર અણબનાવ અને ઝઘડાના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ તેમાં પોતાની જ બાળકી પર તે ઝઘડાનો ગુસ્સો ઉતારવાની ઘટનામાં સુરતમાં એક પિતાની ક્રૂરતા સામે આવી છે. પતિ-પત્ની વચ્ચે કામના કારણોસર ઝઘડો થયો હતો. પછી પત્ની તેમની એક વર્ષની બાળકીને ઘરે સુવડાવીને પિયર જતી રહી હતી. જે બાદ આવેશમાં આવેલા પતિએ પોતાની એક વર્ષની બાળકીને મકાનના બીજા માળેથી ફેંકી દીધી હતી. બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે,
વાત રાજ્યના સુરત શહેરની છે, જ્યાં સાલબતપુરા વિસ્તારમાં આવેલા રહેતી સુષ્માને ઘર નજીક રહેતા ભાવિન નામના યુવક સાથે પ્રેમ થઈ ગયેલો. યુવતી પોતે સગીર હતી ત્યારે આ યુવક સાથે ભાગીને શિરડી ખાતે લગ્ન કરેલા. શરૂઆતમાં તો લગન જીવન ખૂબ સારૂ ચાલતું હતું. થોડા સમય બાદ સુષ્માને ભાવિને ત્રાસ આપવા લાગ્યો હતો. તે ઘણી વખત સુષ્મા પર ખોટી શંકાઓ કરતો હતો. આ દંપતીને પુત્રી ઉપરાંત એક પુત્ર પણ છે. લોકડાઉન પછી ભાવિન બેકાર બન્યો અને બેકારીનો રોષ તે દરરોજ સુષ્માને માર મારીને ઉતારતો હતો,
એવામાં ગઈકાલે સુષ્માએ તેની એક વર્ષની બાળકીને સુવડાવી પોતાના પિયર જવા નીકળી હતી. આ વાતથી ગુસ્સે ભરાઈને ભાવિને બાળકીને પોતાના મકાનના બીજા માળેથી નીચે ફેંકી દીધી હતી. બાળકીને ગંભીર ઈજા થઈ છે. બાળકીને નજીકની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. બાળકીને માથામાં ડાબી બાજુ ગંભીર ઇજા થઈ છે. તેથી જમણી બાજુનું અડધુ અંગ ઓછું કામ કરે છે. આ સાથે માથામાં હેમરેજ પણ થયું છે. આ બાદ માતા સુષ્માએ બાળકીના પિતા ભાવિન સામે બાળકીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પકડી પાડવાના ચક્રો ગતિમાન કાર્યા છે.