Mysamachar.in:ગાંધીનગર
ઘણાં લોકો એમ કહે છે, બે વર્ષ પહેલાંનાં કોવિડ રોગચાળાની શિક્ષણ પર અસર પડી છે. ઘણાં લોકો એવું પણ કહે છે કે, શિક્ષણ ઓનલાઇન થતાં શિક્ષણની ક્વોલિટીમાં ફરક પડ્યો છે. અને ઘણાં લોકો એમ પણ માને છે કે, વિજ્ઞાનપ્રવાહમાં શિક્ષણનું સ્તર એટલે કે સ્ટાન્ડર્ડ ઘટયું છે ! બધાં લોકોનાં અભિપ્રાયો અલગ અલગ હોય શકે છે, કડવી અને વરવી વાસ્તવિકતા એ છે કે, 2012 પછીનું સૌથી નીચું પરિણામ, ધોરણ 12 સાયન્સ પ્રવાહ માટે કાલે જાહેર થયું.
જામનગર સહિત રાજ્યભરમાં A-1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અચરજ સર્જે તેટલી ઓછી ! અને દેવભૂમિ દ્વારકા સહિતના રાજ્યનાં 17 જિલ્લાઓ તો એવાં છે જ્યાં એક પણ પરીક્ષાર્થી A-1 ગ્રેડ મેળવવામાં સફળ થયેલ નથી ! આ તકે પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે, ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં શાળાઓમાં શિક્ષણ કેવું અપાતું હશે ?! ખાનગી શાળાઓમાં તો ફી પણ જબ્બર હોય છે, છતાં આવું કંગાળ પરિણામ ?! અને, મહ્ત્વનો મુદ્દો એ પણ છે કે – વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે ભણવા પ્રત્યે વધુ ગંભીર અને મહેનતુ હોય છે, તેઓએ આખું વર્ષ શું કર્યું ?! મા-બાપોની અપેક્ષાઓ પર ખરાં ઉતરવામાં વિદ્યાર્થીઓને કયું વિઘ્ન નડી ગયું ?! અને, અમે એક એક વિદ્યાર્થી પર ધ્યાન આપીએ છીએ, એવું બોલનારી શાળાઓએ આખું વર્ષ કર્યું શું ?! એવો પ્રશ્ન વાલીઓમાં પૂછાઈ રહ્યો છે ! કાળઝાળ મોંઘવારીમાં પેટે પાટા બાંધીને બાળકોને ભણાવતાં વાલીઓ પરિણામોથી બહુ નિરાશ થયાં છે.
ગણિતનાં વિષયમાં 21.50 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયાં. રસાયણ વિજ્ઞાનમાં 32.86 ટકા વિદ્યાર્થીઓ નાપાસ ! જિવ વિજ્ઞાનના વિષયમાં 26.37 ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયાં અને ભૌતિક વિજ્ઞાનના વિષયમાં 32.71 ટકા વિદ્યાર્થીઓ પાસ ન થઈ શક્યા ! વિજ્ઞાન પ્રવાહની શાળાઓએ આખાં વર્ષ દરમિયાન માત્ર ફી જ વસૂલી ?! વર્ષ દરમિયાન વારંવાર ટેસ્ટ લેવામાં આવે છે એવા દાવાઓ કરતી શાળાઓ હવે વાલીઓને શો જવાબ આપશે ?! સાથેસાથે એ પણ વિચારો કે, તબીબી સહિતની વિદ્યા શાખાઓમાં જનાર આ ફાલ કેટલો નબળો હશે ?! આ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં પારંગત કેવી રીતે બની શકશે ?!
જેઓ ઉતીર્ણ થયાં છે તે પૈકી મોટાભાગનાં તેજસ્વી નથી ! તેઓ એવરેજ છે ! કલ્પના કરો, ભવિષ્યમાં આપણને કેવાં તબીબો અને ઈજનેરો વગેરે મળશે ?!?! વર્ષ 2013 અને 2014 પછી એક પણ વર્ષે સુપર્બ પરિણામ આવ્યું નથી ! અને, આ વર્ષે તો પાછલાં 11 વર્ષમાં સૌથી નીચું પરિણામ આવ્યું છે ! શિક્ષણમંત્રી અને સરકાર તથા શાળા સંચાલકો તેમજ શિક્ષણ અધિકારીઓ પરિણામોની કડક અને તટસ્થ સમીક્ષાઓ કરશે ?! કે, નવાં વર્ષની ફાઈનાન્સિયલ સ્ટ્રેટેજીસમાં જ વ્યસ્ત રહેશે ?! આ પ્રશ્નોના જવાબો પર આધારિત છે – ગુજરાતનું તથા શિક્ષણનું ભવિષ્ય…….