Mysamachar.in-સુરતઃ
યુવક અને યુવતી જૂવાનીના જોશમાં ભાગીને લગ્ન કરવાનું સામાન્ય બની ગયું છે, પરંતુ સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી વેવાઇ-વેવાણ ભાગી ગયાના મેસેજ અને વીડિયોએ ભારે ધૂમ મચાવી છે, લોકો વેવાઇ-વેવાણને લઇને વિવિધ મેસેજો ફોરવર્ડ કરી રહ્યાં છે, ત્યારે ખરેખર સમગ્ર કિસ્સો છે શું, કોણ છે આ વેવાઇ-વેવાણ અને ક્યાંથી ભાગી ગયા ? તો, તમે પણ જાણી લ્યો કે આ વાત સુરતની છે, અહીં કતારગામ વિસ્તારમાં રહેતા યુવકના લગ્ન નવસારીની યુવતી સાથે થવાના હતા. હાલમાં ચાલી રહેલી લગ્નની સીઝનમાં બંનેના લગ્ન થવાના હતા, આ માટે બંને પરિવારોએ તમામ તૈયારીઓ પણ કરી લીધી હતી, જો કે લગ્ન પહેલા વરરાજાના પિતા અને કન્યાની માતા અચાનક ગાયબ થઇ ગયા !
લગ્નના એક મહિના પહેલા જ યુવતીની માતા અચાનક ગુમ થઇ જે અંગે પોલીસમાં જાણ પણ કરવામાં આવી, બાદમાં જાણવા મળ્યું કે વરરાજાના પિતા પણ ગુમ છે. થોડો સમય તો બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી, પરંતુ સમગ્ર ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે બહાર આવ્યું કે ફરાર થયેલા વેવાઇ-વેવાણ યુવાનીકાળથી જ એકબીજાને ઓળખતા હતા, એટલું જ નહીં યુવાની દરમિયાન બંને એકબીજા સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા, જો કે જે તે સમયે લગ્ન શક્ય ન બન્યા, હવે સંતાનોના લગ્ન સમયે બંને ભાગી જતાં ભારે ચર્ચા જાગી છે, તો સંતાનોના લગ્ન પણ તૂટી ગયા અને બંને પરિવારોની સમાજમાં બદનામી થઇ એ અલગ ! આ બાબતે પોલીસને જાણ કર્યાને 10 દિવસથી વધુ સમય થઇ ગયો છતા વેવાઇ-વેવાણનો કોઇ પત્તો લાગ્યો નથી. એટલું નહીં એવી પણ ચર્ચા જાગી છે કે ફરાર વેવાઇ-વેવાણે લગ્ન કરી લીધા છે ! સમગ્ર ઘટનાને લોકો સોશિયલ મીડિયા પર રમૂજ તરીકે લઇ રહ્યાં છે અને વિવિધ મેસેજ ફરતાં થઇ રહ્યાં છે.