Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત રાજ્યના ગૃહવિભાગ દ્વારા ગુજરાત માર્ગ સુરક્ષા નિધિ હેઠળ ગુજરાત પોલીસને ઓવર સ્પીડને કારણે બનતા અકસ્માતોને અટકાવવા માટેના ઇન્ટરસેપ્ટર 48 વાહનો અને મુખ્ય ધોરીમાર્ગો ઉપર પેટ્રોલિંગ કરી અકસ્માત સમયે ફર્સ્ટ રીસ્પોન્સ વ્હીકલ તથા રેસ્કયુ વ્હીકલ એવા 48 હાઇવે પેટ્રોલ વાહન આપવામાં આવ્યા છે. આ વાહનોને આજે ગાંધીનગર ખાતેથી રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઓવર સ્પીડના કારણે બનતા અકસ્માતોને અટકાવવા સારુ અતિ આધુનિક સાધનોથી સજ્જ રડાર સ્પીડ ગન સાથે ગુજરાત પોલીસના ઉપયોગ સારું ઇન્ટરસેપ્ટર વાન તૈયાર કરવામાં આવી છે. આવી 48 વાનનું આજે વિવિધ જિલ્લાને સુપ્રત કરવામાં આવી છે. તેમજ વાહન અકસ્માતમાં ઘણા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હાલતમાં વાહનમાં ફસાઇ જાય છે. તેમને બહાર કાઢવા માટે વાહનના દરવાજા તોડી કે કાપી નાખી ઇજાગ્રસ્તને બહાર કાઢવા અને કુદરતી આફતોના સમયે નાગરિકોને ઉપયોગી બની રહે તેવી હાઇવે પેટ્રોલ 42 વાહન પણ વિવિધ શહેર-જિલ્લામાં આપવામાં આવ્યા છે.
ગુજરાત પોલીસને અર્પણ કરવામાં આવેલી 48 ઇન્ટરસેપ્ટર વાનની ડિઝાઇનીંગમાં હાઇક્વોલેટીની રિફલેક્ટીવ સલામતિ સ્ટ્રીપ્સ અને સાઇનેઝ અને ગુજરાત પોલીસના લોગો સાથે તૈયાર કરવામાં આવી છે. તેમજ આ વાનમાં અતિ આધુનિક લેસરસ્પીડ ગન, પીટીઝેડ કેમેરા, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, મોબાઇલ નેટવર્ક વિડિયો રેકાર્ડર, અગ્નિ શામક અને ફર્સ્ટ એઇડ બોક્ષ વગેરે લગાડવામાં આવ્યા છે. આ વાન દ્વારા ઓવર સ્પીડથી જતા વાહનોને અંકુશમાં લેવાનો છે. ઇન્ટરસેપ્ટર વાન ઇનોવામાં તૈયાર કરવામાં આવી છે. આ 48 ઇન્ટરસેપ્ટર વાનની અને અંદર ગોઠવણી કરવામાં આવેલા ટેકનોલોજી સજ્જ સાધનો સાથે કુલ કિંમત રૂપિયા 10 કરોડ 46 લાખથી વધુની થાય છે. આ વાન અમદાવાદ શહેરને 4, સુરત શહેરને 3, રાજકોટ શહેરને 2, વડોદરા શહેરને 2 તથા જિલ્લાઓમાં એક- એક મળી કુલ-48 ઇન્ટરસેપ્ટર વાહનોની ફાળવણી કરવામાં આવી છે.