Mysamachar.in-અમદાવાદ:
ભ્રષ્ટાચાર, કટકી, નીવેદ, તોડ આ શબ્દો રોજીંદા જીવનમાં કેટલાય ભ્રષ્ટાચારના કિસ્સાઓમાં સાંભળવા મળતા હોય છે, દર થોડા દિવસે રાજ્યમાં ક્યાય ને ક્યાય કોઈ ને કોઈ કચેરીના અધિકારી કે પછી કર્મચારી સીધા જ કે વચેટિયા મારફતે લાંચ લેતા ઝડપાઈ જવાના કિસ્સાઓ આપને સાંભળતા હોઈએ છીએ, પણ આ કાર્યવાહી કરનાર એન્ટી કરપ્શન બ્યુરો વિષે પણ કેટલીક માહિતીઓ જાણવી તમારી માટે રસપ્રદ બની રહેશે, કારણ કે ઘણી વખત કેટલાય અરજદારો કાયદાની જાણકારી અધુરી હોય કે પુરી ન હોવાને લીધે ભ્રષ્ટાચારીઓને નાણા આપી પોતાનું કામ પૂરું કરે છે, mysamachar.inના વ્યુઅર્સને અલગ અલગ કાયદાકીય માહિતી મળી રહે અને જાગૃતિ વધે એ હેતુથી ભ્રષ્ટાચાર કે લાંચની ફરીયાદ કેવી રીતે કરવી અને ક્યાં કરવી તે અંગેની માહિતી પ્રસ્તુત કરી છે.
– ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ શું છે?
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 મુજબની જોગવાઇઓ અનુસાર સમાજમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચારના સંદર્ભમાં લાંચ રુશ્વત ટાંચમાં લઇ શકાય છે. અને ગુન્હો સાબિત થયે સાત વર્ષ સુધીની (કેદ તથા દંડની) શિક્ષા થઇ શકે છે. અને આ સિવાય કાયદા મુજબ લાંચ લેવી, લાંચ આપવી, સરકારી નાણાનો વ્યય, સરકારી તિજોરીને નુકશાન થાય તે અંગેનું કામ કરવું, વગેરે જુદા જુદા ગુનાની અલગ પ્રકારની સજાઓની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. કોઈ પણ વ્યોક્તિ પાસે કોઈ પણ ખાતાના કર્મચારી દ્વારા લાંચ રૂશ્વત ની માગણી કરવામાં આવે ત્યારે તે વ્યણક્તિની વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે સરકારે લાંચ રૂશ્વત વિરોધી ખાતાની રચના કરેલી છે. જેની મુખ્ય ઓફિસ અમદાવાદ ખાતે શાહીબાગમાં છે, જ્યારે રાજકોટ, મહેસાણા, જૂનાગઢ, વડોદરા અને સુરત વગેરે ખાતે વિભાગીય કચેરીઓ આવેલી છે જેમાં નાયબ પોલીસ અધિકારી કક્ષાના અધિકારીઓ ફરજ બજાવે છે.
– લાંચ એટલે શુ?
સામાન્ય રીતે આપણે લાંચ શબ્દ સાંભળીયે એટલે એટલું જ સમજીએ કે કાયદેસરનું કોઈ પણ સરકારી કામ કરાવવા માટે થઈને આપવા પડતા રૂપિયા. પરંતુ આ લાંચ શબ્દ નાનો પરંતુ તેનો અર્થ ખુબ જ મોટો છે એમ કહી શકાય. આ સિવાય લાંચ એટલે ફક્ત આર્થિક કે નાણાકીય વ્યવહાર જ નહી પરંતુ સરકારી કર્મચારીને પોતાની કામગીરી કરવા માટે અથવા ન કરવા માટે આપવામાં આવતી ભેટ, સોગાદ કે બક્ષિસ વગેરે વસ્તુનો પણ આમાં જ સમાવેશ કરવામાં આવે છે.
– જાહેર સેવક…..નોકરિયાત
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ – 1988ની કલમ-૨(ગ)માં જણાવ્યા મુજબ જાહેર સેવક એટલે જાહેર સેવા હોય અથવા સરકારના પગારદાર હોય અથવા કોઈપણ કાર્ય, જેમાં પ્રજાનુ બહોળું હિત હોય તેવી જાહેર ફરજ બજાવવા માટે જેને ફી કે કમિશનરૂપે સરકાર તરફથી મહેનતાણું કે આથિર્ક સહાય મળતી હોય તેવી કોઈ સંસ્થાના કર્મચારી, અધિકારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકારી અનુદાન મેળવતી કોઈપણ સરકારી કંપની, સંસ્થા, અધિકારીઓ, યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, કોર્પોરેશન કે સત્તામંડળોના હોદ્દેદારો અને કર્મચારી,સમાવેશ થાય છે.
– સામાન્ય રીતે તો બ્યૂરોની કાર્યપદ્વતિ આ પાંચ પ્રકારની છે.
1. ટ્રેપ કેસ : આ પ્રકારના કેસમાં લાંચ લેતી વખતે જે લાંચ લેનાર જાહેર સેવક હોય છે તેને રંગે હાથ પકડવા માટેનું જ આયોજન કરી લેવામાં આવે છે. અને આમાં એવું કહેવામાં આવે છે કે, લાંચ આપનાર ફરિયાદી વિરુદ્વ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને આ કેસમાં ફરિયાદીની ફરિયાદ ઉપરથી લાંચનું છટકું ગોઠવવામાં આવે છે. આ સિવાય આક્ષેપિતની ધરપકડ સુધી કામગીરીની પુરેપુર્રી ગુપ્તતા જ જાળવવામાં આવે છે. અને આ બાદ સાંયોગિક અને વૈજ્ઞાનિક પુરાવાઓ, દસ્તાવેજી વગેરેનું સંકલન કરીને આ અંગેની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવતી જોવા મળે છે.
2. ડિકોય કેસ : આ કેસ અનુસાર ભ્રષ્ટાાચાર સંભવિત સંવેદનશીલ ક્ષેત્રો પર નજર રાખવામા આવે છે. અને આ સિવાય સંભવિત સંવેદનશીલ ક્ષેત્રમાં બ્યૂરો દ્વારા ડિકોય માટે છટકાનું આયોજન કરવામાં આવે છે.
3. અપ્રમાણસર મિલકત વિરુદ્વના કેસ : આ કેસ અનુસાર કોઈ જાહેર સેવક અથવા તો તેની આશ્રિત વ્યમક્તિએ જે અપ્રમાણસર મિલકત એકઠી કરીને રાખેલી હોય છે તેની ગુપ્ત તપાસ જ હાથ ધરવામાં આવે છે. અને તે તપાસ દ્વારા જ તે મિલકતના કિંમત અંગેના પણ પુરાવાઓ મેળવવામાં આવે છે. અને તેમાં જો આ આક્ષેપિતની મિલકત અપ્રમાણસર જણાય તો આ અધિનિયમ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવતો હોય છે.
4. જાહેર સેવક દ્વારા સત્તાનો દુરુપયોગ (ગુનાહિત ગેરવર્તન) : ઘણી વખત આપણે જોઈએ જ છીએ કે લોકો સરકારી હોદ્દા કે તેમની સત્તા જે તેમને મળી છે તેનો સદુપયોગ કરતા નથી. અને આમ કોઈ જાહેર સેવક પોતાના કાયદેસરનાં મહેનતાણા સિવાયનાં લાભ મેળવે અથવા તો હોદ્દો ધરાવતી વખતે કોઈપણ વ્યકિત માટે, કોઈ કિંમતી વસ્તુ અથવા આર્થિક ફાયદો કોઈપણ પ્રકારના જાહેર હિત સિવાય મેળવે તો આવું કરનાર વિરૃધ પણ કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે.
5. અરજીની તપાસો : બ્યૂરો દ્વારા જાહેર પ્રજા તરફથી આવતી નામ જોગ અરજીઓની ગુપ્ત તથા જરૂર જણાયે ખુલ્લીર તપાસ પણ હાથ ધરવામાં આવે છે. અને અરજીની તપાસમાં ભ્રષ્ટ અધિકારીની લાંચની પ્રવૃત્તિ અંગે ડિકોયનું આયોજન તથા અપ્રમાણસર મિલકતો જણાઈ આવતાં તેની વિરુદ્વ ભ્રષ્ટાેચાર નિવારણ અધિનિયમ-1988 અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની જ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
– કોઈપણ કર્મચારી લાંચ માગે તો ફરીયાદ ક્યાં કરવી જોઈએ, જાણી લો…
જો કોઇ સરકારી કર્મચારી/અધિકારી આપની પાસે લાંચની માંગણી કરતો હોય તો તેની જાણ એ.સી.બી. કન્ટ્રોથલ રૂમ અમદાવાદ ખાતે 079-22869228, 22860341, અથવા ટોલ ફ્રી નંબર 10 64 પર જાણ કરી લખાવી શકાય છે. તેમજ એ.સી.બી. ખાતે ટોલ ફી નંબર 1800 233 44444 ઉપર કરી શકાય છે. એ.સી.બી. કન્ટ્રોલ રૂમ અમદાવાદ 24 કલાક કાર્યરત છે તેમજ એ.સી.બી.ની વેબસાઈટ www.acb.gujarat.gov.in છે. જેના પર બ્યૂરો વિષેની અધતન માહિતી ઉપલબ્ધ છે.