Mysamachar.in:જામનગર:
દરેક ચૂંટણીઓમાં પરિણામોના દિવસે અને બાદમાં સંભળાતું હોય છે કે, ફલાણા ફલાણા ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ પણ ગુમાવી. ચૂંટણીપંચની ભાષામાં આ માટેના નિયત નિયમો હોય છે અને આ તમામ પ્રક્રિયાઓની ચૂંટણીઓ સમયે અને બાદમાં પણ જાહેરાત કરવામાં આવતી હોય છે.
ચૂંટણીપંચના નિયમ અનુસાર, જો કોઈ ઉમેદવાર કુલ પડેલાં મતો પૈકી માન્ય મતના 16.6 ટકા મતો મેળવવામાં નિષ્ફળ રહે છે તો, તે ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ જાય છે. લોકસભા ચૂંટણીઓમાં જનરલ કેટેગરીના ઉમેદવારે રૂ. 25,000 અને SC-ST કેટેગરીના ઉમેદવારોએ ડિપોઝિટ તરીકે રૂ. 12,500 જમા કરાવવાના રહે છે.
ઉમેદવાર ચૂંટણીમાં ગંભીરતાપૂર્વક ભાગ લ્યે, માત્ર શોખ કે મજાક ખાતર ફોર્મ ન ભરે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાઓ સારી રીતે પૂર્ણ થઈ શકે તે માટે અને કોઈ ગેરરીતિઓ ન થાય તે આશયથી ડિપોઝિટ લેવામાં આવતી હોય છે.મતદાન પહેલાં ઉમેદવારનું મૃત્યુ થઈ જાય, ઉમેદવારી રદ્દ થઈ જાય કે કોઈ કારણસર તે ઉમેદવારી પરત ખેંચી લ્યે તેવા સંજોગોમાં ડિપોઝિટ પરત મળતી હોય છે. આ ઉપરાંત જો કોઈ ઉમેદવારને માન્ય મતના 16.6 ટકા મત ન મળવા છતાં પણ જો તેનો મતગણતરીમાં વિજય થાય તો, તેવા કિસ્સામાં પણ ડિપોઝિટ પરત મળે છે.
2019માં ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે કુલ 371 ઉમેદવાર હતાં. જેમાં રાષ્ટ્રીય પક્ષોના 81 ઉમેદવાર હતાં. માન્યતા વિનાના પક્ષના 93 અને અપક્ષ ઉમેદવારોની સંખ્યા 297 હતી. જામનગર બેઠક પર 26 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી. સુરેન્દ્રનગર બેઠક પર સૌથી વધુ 29 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી.