Mysamachar.in:અમદાવાદ:
રાજ્ય કે દેશમાં કયાંય પણ, કોઈ પણ પ્રકારની ચૂંટણીઓ જાહેર થાય એટલે સરકારી તંત્રો, જે આચારસંહિતા દરમિયાન ચૂંટણીપંચને આધીન હોય છે, તેઓને નીતિમતા એટલે કે નૈતિકતાનો એટેક આવે છે અને આ તંત્રો કાળાં નાણાં પરના કથિત નિયંત્રણ મુદ્દે લવારા કરે છે. બીજી તરફ એક એક બચ્ચું પણ સારી પેઠે જાણે છે કે, જો ઉમેદવાર અને પક્ષ પાસે ચિક્કાર કાળું ધન ન હોય તો, તે ઉમેદવાર કે પક્ષ ચૂંટણીઓ લડી શકતા નથી, ચૂંટણીઓમાં સફળ થઈ શકતા નથી.
ચૂંટણીઓને મુક્ત અને ન્યાયી લેખાવવા માટે ચૂંટણીપંચ ખર્ચ મર્યાદાઓની વાતો કરે, નાણાંની ગેરકાયદેસર હેરફેર અંગે સત્તાવાર યાદીઓ પ્રગટ કરે, ઠેરઠેર ચેકપોસ્ટના પણ નાટકો રચાય અને એમ પણ જાહેર કરવામાં આવે કે, રોકડની (કે સોના, ચાંદી કે શરાબની) હેરફેર કરતાં ઝડપાઈ જશો તો તમારૂં આવી બનશે. લોકો આપસી ચર્ચાઓમાં આવા નિયંત્રણોની મજાક ઉડાવી રહ્યા છે.
મતદાતાઓ સારી પેઠે જાણે છે કે, ચિક્કાર કાળાં નાણાંના ઉપયોગ વિના કોઈ નાથિયો સમાજમાં નાથાલાલ બની શકતો નથી. ચૂંટણીઓ અને કાળું ધન એકમેકના પર્યાય છે, જે ઓપન સિક્રેટ છે. આમ છતાં ડાહી ડાહી વાતો થતી રહે છે અને ચૂંટણીઓ સાથે સંકળાયેલા અધિકારીઓ પોતે જાણે કે સિંહ હોય અને આખા જંગલ પર તેમનો અંકુશ હોય, એવા ભાવ સાથે ચૂંટણીઓના પરિણામ સુધી હરતાં ફરતાં હોય છે. તેઓની ખરી હેસિયત લોકો જાણતાં હોય છે.
આ પ્રકારની પરિસ્થિતિઓ વચ્ચે, હાલ રિઝર્વ બેન્ક દ્વારા પણ કડક નિર્દેેશ બહાર પાડવામાં આવ્યો છે. નિર્દેેશ કહે છે: બેન્ક સિવાયના વિકલ્પોથી કોઈ પણ પ્રકારની નાણાંકીય લેતીદેતીઓ થતી હશે, તેની તમામ વિગતો ફીનટેક કંપનીઓએ રિઝર્વ બેન્કને આપવાની રહેશે. જાણકારો કહે છે: આવા નિર્દેેશ પોથીમાંના રીંગણ હોય છે, કોઈ આવી વિગતો તંત્રને આપતું નથી. અને કોઈ રીતે તંત્ર પાસે આવી વિગતો પહોંચે તો પણ કોઈ કોઈને કાંઈ પૂછતું નથી. બધું જ રાબેતા મુજબ અને બારોબાર ચાલતું રહેતું હોય છે. કાળાં નાણાં વિના ચૂંટણીઓ લડવી શક્ય છે ?! એવો પ્રશ્ન લોકો આપસી ચર્ચાઓમાં સામો પૂછી રહ્યા છે. લખી રાખો, નાણાંના ઓનલાઈન હવાલા ધમધમતાં રહેશે. કોઈને ફાંસીએ લટકાવવામાં આવશે નહીં, જન સામાન્યનો પ્રતિભાવ આમ હોય છે, આ અંગે તંત્ર અજાણ નથી હોતું.