Mysamachar.in-અમદાવાદઃ
દિવાળી ટાણે જ કરવામાં આવેલી વરસાદ અને 'ક્યાર' વાવાઝોડાની આગાહી હવે ખોટી પડતી દેખાઇ રહી છે, હવામાન વિભાગે આગાહી કરી હતી કે અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરે હવે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ વાવાઝોડાનું નામ ક્યાર છે, જે પહેલા ગુજરાતના દરિયાકિનારાથી દૂર હતું પરંતુ ચક્રવાત હવે તોફાનમાં પરિવર્તિત થતા ગુજરાત માટે તહેવાર ટાણે વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે. જો કે દિવાળીના દિવસે આ વાવાઝોડાએ દિશા બદલી છે અને તે ઓમાન તરફ વળ્યું છે.
વાવાઝોડાને પગલે રાજ્યમાં અનેક મોટા શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનો ફુંકાયા હતા, એટલું જ નહીં દરિયામાં સવારથી જ ભારે કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં મહાકાય મોજાને કારણે દ્વારકાથી બેટદ્વારકા જતી ફેરી સર્વિસને તાત્કાલિક બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જામનગર દરિયાકાંઠે બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું. જામનગરમાં વાદળછાયા વાતવરણ વચ્ચે ઠંડો ફુંકાઇ રહ્યો છે. શિયાળો અને ચોમાસાની ડબલ ઋતુનો અનુભવ થતા રોગચાળો વધુ ફેલાવવાનો ભય ઉત્પન્ન થયો છે.