Mysamachar.in-જામનગર:
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આખા રાજ્યમાં ત્રાટકયું તેમાં જામનગર જિલ્લાની એક પેઢી પણ શુદ્ધ ઘી માં ભેળસેળ મામલે હડફેટમાં ચડી ગઈ છે. નોંધનીય છે કે, અત્યાર સુધી આ પેઢી ‘સલામત’ રહી. રાજ્યકક્ષાના ચેકિંગમાં ઝડપાઈ ગઈ. ભેળસેળ કરતી વખતે આ પેઢી રંગે હાથ ઝડપાઈ જતાં ચકચાર મચી ગઈ છે.
શુદ્ધ ઘી નો ધંધો સમગ્ર ગુજરાતમાં અબજો રૂપિયાનો છે. રૂ. 600 થી માંડીને રૂ. 1,200-1,400 પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાણ થતું શુદ્ધ ઘી શુદ્ધ જ છે- એવી ગેરંટી કયાંય, કોઈ આપતું નથી. આ ઘી માં વ્યાપક ભેળસેળ સમગ્ર રાજ્યમાં થતી રહી છે. ટનના હિસાબે ભેળસેળિયું ઘી ઝડપાઈ જાય છે, આમ છતાં ભેળસેળ બંધ થતી નથી !
રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના વડા(કમિશનર) ડો.એચ.જી.કોશિયાના સીધા માર્ગદર્શન હેઠળ હાલમાં આ બાબતે રાજ્યભરમાં ચેકિંગ થયું. અત્રે ઉલ્લેખનિય છે કે, શુદ્ધ ઘી ના નામે વેચાણ થતાં ઘી માં રિફાઈન્ડ કરેલું પામતેલ પણ હોય છે. આ તેલનું બંધારણ ઘી જેવું જ હોય છે. ગાંધીધામ, કચ્છમાં પણ શુદ્ધ ઘી માં આ પ્રકારની ભેળસેળ થઈ રહી છે.
કમિશનર ડો. કોશિયાએ જણાવ્યું કે, શુદ્ધ ઘી માં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાના કાચા માલ સહિત કુલ રૂ. 1.40 કરોડનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો. ગાંધીધામની ભારત ફૂડસ કો-ઓપરેટિવ લિ. અને જામનગર જિલ્લાના ધ્રોલની ક્રિષ્ના ટ્રેડિંગ નામની કુલ 2 પેઢીમાંથી ઘી ના 8 નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા. જે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને કુલ રૂ. 1.40 કરોડનો 69 ટનથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
કમિશનરે વધુમાં કહ્યું કે, 12મી સપ્ટેમ્બરે ધ્રોલની ક્રિષ્ના ટ્રેડિંગ નામની પેઢીમાં ઘી માં સોયાબિન અને વનસ્પતિનું ભેળસેળ કરતાં ઈસમોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ પેઢીમાં વેપારી ભરત ખીમસુરિયાની હાજરીમાં ઘી ના 2, વનસ્પતિ અને સોયાબિનનો એક એક એમ કુલ 4 નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા. 2 ટન જેટલો બાકીનો ખાદ્ય પદાર્થ કે જેની કિંમત રૂ. 5.80 લાખ આસપાસ થઈ રહી છે, તે જથ્થો જાહેર જનતાના આરોગ્યને ધ્યાનમાં રાખી સીઝ કરવામાં આવ્યો છે. વધુમાં, આ પેઢીનું લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. ડો.કોશિયાએ અંતમાં એમ પણ કહ્યું કે, આ તમામ ખાદ્ય પદાર્થ પ્રાથમિક દ્રષ્ટિએ ભેળસેળની પ્રબળ શંકાઓ ધરાવતાં હોય, તેના એનાલિસિસના અહેવાલ બાદ આગળની વધુ કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે.(symbolic Image)
