Mysamachar.in:ગુજરાત
જામનગર અને ગુજરાત સહિત દેશભરમાં મહિલાઓનાં આપઘાતનાં કિસ્સાઓ કોઈને નવાઈ પમાડતા નથી ! આ એક અચરજ નથી ?! જે સમાજમાં મહિલાઓની આત્મહત્યાઓનો દર સતત ઉંચો રહેતો હોય, એ સમાજ સભ્ય અને શાણો તથા સુસંસ્કૃત કેવી રીતે લેખી શકાય ?! સમાજની પચાસ ટકા વસતિ સતત તાણમાં જિવતી હોય, આ વર્ગની માનસિકતા સંખ્યાબંધ મહિલાઓને આપઘાત તરફ દોરી જતી હોય ! એ સ્થિતિમાં સમાજ સ્વસ્થ કહેવાય ?! આટલાં બધાં આપઘાત સમાજમાં કેવી આડઅસરો જન્માવે ? કલ્પના કરવી પણ અઘરી છે ! અને, આ આપઘાતો અટકાવવાની દિશામાં જાણે કે કશું થતું જ નથી, એવી સ્થિતિ છે !
મહિલાઓનાં આપઘાતનાં કિસ્સાઓની સંખ્યાના મામલે, ગુજરાત દેશમાં ચોથો ક્રમ ધરાવે છે ! સૌથી વધુ આપઘાત પશ્ચિમ બંગાળમાં અને મધ્યપ્રદેશમાં થાય છે. મહારાષ્ટ્રમાં પણ હજારો મહિલાઓ આપઘાત વહોરી લે છે ! ગુજરાત ચોથા ક્રમે છે ! એમ કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો એક રિપોર્ટ જણાવે છે. ગુજરાતમાં મહિલાઓની આત્મહત્યાઓનાં કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. પાછલાં બે જ વર્ષમાં રાજ્યમાં, 5,028 મહિલાઓએ જિંદગી ટૂંકાવી લીધી ! જે પૈકી કેટલાંક કિસ્સાઓ શંકાસ્પદ પણ હોય શકે છે ! જો કે એ તપાસનો વિષય લેખાવી શકાય.
પારિવારિક ઝઘડાઓ, આર્થિક સંકડામણ, અત્યાચાર, દહેજ માંગણી, ઘરેલું હિંસા જેવાં વિવિધ કારણોસર મહિલાઓ આત્મહત્યા કરી લેતી હોય છે. ઘણી વખત વડીલોનાં માર્ગદર્શનનો અભાવ પણ આવા કિસ્સાઓમાં કારણભૂત બનતો હોય છે. મહિલાઓમાં આપઘાતનાં કિસ્સાઓની સંખ્યા ઘટે તે માટે સરકાર દ્વારા કાઉન્સેલિંગ સહિતનાં ઉપાયો પણ અજમાવવામાં આવી રહ્યા છે તો પણ આ પ્રકારના આપઘાતોની સંખ્યા ઘટાડી શકવામાં સફળતા મળી રહી નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો આ રિપોર્ટ કહે છે, 2019માં ગુજરાતમાં 2,486 મહિલાઓએ આપઘાત કર્યા. જે પૈકી 1,689 મહિલાઓ ગૃહિણીઓ હતી. વર્ષ 2020માં ગુજરાતમાં 2,542 મહિલાઓએ આત્મહત્યા કરી લીધી હતી. ટૂંકમાં, રાજ્યભરમાં દર મહિને સરેરાશ 200થી વધુ મહિલાઓ જિંદગી ટૂંકાવી લ્યે છે !અત્રે એ પણ નોંધનીય છે કે, ગુજરાતમાં મહિલાઓ પરનાં અત્યાચારના કિસ્સાઓમાં પણ વધારો થતો રહે છે ! અમદાવાદ, રાજકોટ, વલસાડ અને સુરતમાં મહિલાઓની આત્મહત્યાઓનાં કિસ્સાઓ વધતાં જાય છે. સમાજશાસ્ત્રીઓએ તથા સરકાર સ્તરે મહિલા સુરક્ષા વિભાગના સ્તરે આ સમગ્ર વિષયમાં વધુ ચિંતન અને અસરકારકતા આવશ્યક બની રહી છે.






