Mysamachar.in-ગાંધીનગર:
મહાનગરોમાં ઘનકચરાનું અને પ્રવાહીકચરાનું આખરે શું થાય છે, તેનો નિકાલ કેવી રીતે થાય છે, મહાનગરોમાં પર્યાવરણીય જાળવણી કેવી રીતે થાય છે- વગેરે બાબતોની ચિંતાઓ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સતત કરે છે. પરંતુ ગુજરાત સરકાર આ બાબતોની કોઈ જ ચિંતાઓ ન કરતી હોય, એવી ચિંતાપ્રેરક સ્થિતિઓ હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT)એ ગુજરાતના ચીફ સેક્રેટરી પાસે એવો પ્રોગ્રેસ રિપોર્ટ માંગ્યો હતો કે, ગુજરાતમાં શહેરોની જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ(પાલિકાઓ અને મહાનગરપાલિકાઓ)છે, તે સંસ્થાઓ હસ્તકના શહેરોમાં કેટલો કચરો ઉત્પન્ન થઈ રહ્યો છે, તે કચરાનું કલેક્શન કેવી રીતે કરવામાં આવે છે, તે કચરાને કેવી રીતે પ્રોસેસ કરવામાં આવે છે અને તે કચરાનો નિકાલ કેવી રીતે કરવામાં આવે છે- તે તમામ વિગતોનો સ્ટેટ્સ રિપોર્ટ અથવા પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરો. NGTએ આ રિપોર્ટ ઘનકચરા અને પ્રવાહી કચરા એમ બંને કચરા માટે માંગેલો હતો.
પરંતુ અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, વર્ષ 2025ના પ્રથમ 6 મહિનાઓ માટેનો આ રિપોર્ટ NGT સમક્ષ સબમિટ કરવામાં ગુજરાત સરકાર નિષ્ફળ રહી છે. સૂત્રના કહેવા અનુસાર, આ રિપોર્ટ 22મી જૂલાઈ સુધીમાં રજૂ કરવાના હતાં. ગુજરાત સરકારે આ રિપોર્ટ રજૂ નથી કર્યા એટલું જ નહીં, આ રિપોર્ટ ફલાણી તારીખ સુધીમાં રજૂ કરીશું એવી કોઈ ખાતરી પણ NGTને આપી નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, ખુદ સુપ્રિમ કોર્ટ દ્વારા જેતે સમયે આ અંગે નિર્દેશ અપાયેલા છે જ. અને, આ બાબતે NGTએ આ અગાઉ ગુજરાત સરકારને ઓર્ડર કરેલો જ છે. આમ છતાં સરકાર રિપોર્ટ સબમિટ કરવામાં fail રહી છે. સૂત્રના કથન અનુસાર, આ રિપોર્ટ સબમિટ કરવામાં સરકારની નિષ્ફળતા બાદ સરકારના રાજ્ય કક્ષાના કાઉન્સેલે NGT પાસે એક મહિનાના વધુ સમયની માંગ કરી, જે માન્ય રાખવામાં આવી છે.
સૂત્રના કહેવા અનુસાર, સરકારે હવે આ અંગે NGT સમક્ષ સોગંદનામું અને રિપોર્ટ બંને સબમિટ કરવાના રહેશે. દરેક મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓએ પોતાના શહેરના ઘનકચરા અને પ્રવાહીકચરા સંબંધિત તમામ ઝીણામાં ઝીણી વિગતો, નિયત ફોર્મેટમાં સરકારને આપવાની હોય છે અને સરકારે પણ નિયત ફોર્મેટમાં જ આ બધી વિગતો NGTને આપવાની હોય છે. જેમાં લીગસી વેસ્ટ અને એનર્જી જનરેશન સહિતની તમામ બાબતોનો સમાવેશ કરવો ફરજિયાત હોય છે. અહીં જામનગર માટે સવાલ એ છે કે, વર્ષ 2025ના પ્રથમ 6 મહિનાઓ દરમ્યાન જામનગરનો આ આખો મામલો ગોથે અને ગોટે ચડેલો છે, આ સ્થિતિઓમાં રાજ્ય સરકાર મહાનગરપાલિકા પાસે આ બધી વિગતો માંગે ત્યારે, જામનગર મહાનગરપાલિકા કેવા પ્રકારની વિગતો આપી શકશે ?…