Mysamachar.in-ગુજરાત:
જામનગર અને દ્વારકા સહિત રાજ્યનાં 19 જિલ્લાઓમાં મતદાન પૂર્ણ થયાં પછી ભાજપા અને કોંગ્રેસ દ્વારા વિજય માટેનાં વિરોધાભાસી દાવાઓ થયાં છે ! બે અલગ અલગ દાવાઓ સાચાં કેવી રીતે પૂરવાર થાય ?! દરમિયાન, બીજા તબક્કાનું મતદાન સોમવારે હોવાથી આજે સાંજે પાંચ વાગ્યાથી આ મતવિસ્તારોમાં જાહેર પ્રચાર બંધ થશે. કાલે શુક્રવારે વડાપ્રધાને પોતાનાં ગુજરાત ચૂંટણી પ્રવાસ દરમિયાન જાહેરસભામાં જણાવ્યું હતું કે, ચૂંટણીનાં પ્રથમ તબક્કાનાં મતદાનમાં જે 89 બેઠકો પર મતદાન થયું છે તેમાં ભાજપાને કલ્પનાતીત બેઠકો મળશે. તેઓ બીજા તબક્કાનાં ચૂંટણી પ્રચાર દરમિયાન આમ બોલી રહ્યા હતા.
બીજી બાજુ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા એવો દાવો કરે છે કે, પ્રથમ તબક્કાની 89 પૈકી 55 બેઠકો પર કોંગ્રેસનો વિજય નિશ્ચિત છે. આ નિવેદન પવન ખેરાએ પત્રકાર પરિષદમાં આપ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે, 2017 ની વિધાનસભા ચૂંટણીમાં આ 89 પૈકી 48 બેઠકો પર કોન્ગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો. ભાજપાને 38 બેઠક મળી હતી. 2017 માં પાટીદારો કોંગ્રેસ પડખે રહ્યા હતાં. આ વખતની ચૂંટણીમાં ત્રીજો પક્ષ પણ છે. જેનો ફાયદો ભાજપાને મળવાની શક્યતા વધુ છે. એવું રાજકીય નિરીક્ષકો માને છે. આજે સાંજે પાંચ વાગ્યાથી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 93 વિધાનસભા મતવિસ્તારમાં જાહેર ચૂંટણી પ્રચાર બંધ થશે. જ્યાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પાંચમીએ, સોમવારે છે. પ્રથમ અને બીજા તબક્કાની તમામ 182 બેઠકોની મતગણતરી આગામી ગુરુવારે, આઠમી ડિસેમ્બરે યોજવામાં આવશે.