Mysamachar.in-જામનગર:
કોઈ પણ મહાનગરનું બજેટ આમ જૂઓ તો આંકડાની માયાજાળ અને ફૂલગુલાબી વાતોની રંગોળી માત્ર સાબિત થતું હોય છે. કારણ કે, આ બજેટમાં મોટાભાગે જેતે શહેરના કરદાતા નગરજનોની લાગણીઓનો પડઘો હોતો નથી. કરદાતા નગરજનો શાસકોને વેરાઓ અને ચાર્જીસના રૂપમાં, દર વર્ષે કરોડો રૂપિયા આપે છે, પરંતુ આ નાણાંનો ઉપયોગ અને વેડફાટ શાસકો અને અધિકારીઓ પોતાને ‘મજા’ આવે એ રીતે કરતાં હોય છે, તેથી નગરજનોની મુશ્કેલીઓ યથાવત્ રહેતી હોય છે, નાણાં આપ્યા પછી પણ લોકોના સપના પૂરાં થતાં હોતાં નથી. આ પરંપરામાં પરિવર્તન આવવું જોઈએ, એવી કરદાતા નગરજનોની લાગણીઓ છે.
આગામી જાન્યુઆરી માસના અંત સુધીમાં, રૂટિન મુજબ જામનગર મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટેનું જામનગર શહેરનું બજેટ તૈયાર કરી નાંખશે. શરૂઆતમાં સ્ટેન્ડિંગ કમિટીમાં ‘ગોઠવણો’ થશે અને પછી, બજેટબેઠકમાં જનરલ બોર્ડમાં આ બજેટનું વાંચન થશે અને બહુમતીના જોરે શાસકપક્ષ બજેટ મંજૂર કરી નાંખશે. બસ, આથી વિશેષ કશું બજેટમાં હોતું નથી. આ એક પરંપરા થઇ ચુકી છે.
આ પરંપરામાં થોડું પરિવર્તન લાવવું અનિવાર્ય બનવું જોઈએ. મહાનગરપાલિકાએ બજેટ બનાવતા અગાઉ શહેરના અનુભવી, જાણકાર, અને વિચારવંત નાગરિકો તથા શહેરની તમામ વેપારી સંસ્થાઓ, સામાજિક અને સ્વૈચ્છિક તેમજ ઔદ્યોગિક સંસ્થાઓ પાસેથી બજેટ સંબંધિત સૂચનો, અભિપ્રાય, મંતવ્યો અને રજૂઆતો મંગાવવી જોઈએ-એમ ઘણાં જાણકારો ઈચ્છે છે. આ વર્ષે આ અભિગમ અપનાવવામાં આવશે ?
શહેરમાં વસતાં લાખો કરદાતા નગરજનો શાસન પાસે ઘણાં બધાં પ્રકારની અપેક્ષાઓ રાખતાં હોય છે. આ અપેક્ષાઓ બજેટમાં પૂર્ણ ન થતાં, બાદમાં વર્ષ દરમિયાન લોકો દ્વારા રજૂઆતો થતી રહે છે, આવેદનપત્રો અપાતાં રહેતાં હોય છે. આંદોલન અને ધરણાં થતાં રહે છે. શાસન પ્રત્યેની નારાજગીઓ વ્યક્ત થતી રહે છે. ફરિયાદોના ધોધ વહેતાં રહેતાં હોય છે.
આ પ્રકારની સ્થિતિઓ ટાળવા શાસકોએ બજેટ પહેલાં નગરજનો પાસેથી જાણવું આવશ્યક છે કે, આગામી નાણાંકીય વર્ષ દરમિયાન ક્યા ક્યા કામો તાકીદે કરવા અંગે લોકો શું ઈચ્છે છે, શહેરના આગામી વિકાસકામો બાબતે લોકો શું કહેવા ચાહે છે. શહેરની આરોગ્ય, શિક્ષણ, પિવાનું પાણી, રસ્તાઓ, પર્યાવરણ, શાક માર્કેટ, સ્મશાન, ફાયર સ્ટેશન, બગીચાઓ, ટ્રાફિક સમસ્યાઓ વગેરે બાબતો અંગે તથા શહેરના સમતોલ વિકાસ માટે તથા શહેરમાં આગામી 10-20 વર્ષ દરમિયાન કેવા પ્રકારના આયોજનની અત્યારથી જરૂરિયાત ઉભી થશે, વેરાવસૂલાત અસરકારક બનાવવા બાબતે લોકો શું વિચારે છે, મહાનગરપાલિકાની ખર્ચ કરવાની પદ્ધતિઓમાં શું ફેરફાર થવો જોઈએ અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારમાંથી ‘જામનગર’ માટે વધુ નાણાં ખેંચી લાવવા બાબતે કરદાતા નાગરિકો શું ઈચ્છે છે-તે શાસકપક્ષે બજેટ અગાઉ જાણવું જોઈએ. કેમ કે, શહેરની સાત-સાડાસાત લાખની વસતિ જામનગર મહાનગરપાલિકાને, રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને સમગ્ર વર્ષ દરમ્યાન કરોડો રૂપિયા વિવિધ વેરાઓ અને ચાર્જીસના રૂપમાં આપે છે. આ કરદાતાઓની લાગણીઓ શાસકપક્ષે તથા અધિકારીઓએ ‘સમજવી પડે’.