Mysamachar.in-જામનગર:
ભારતીય અને ગુજરાત ચૂંટણી પંચનાં આદેશ અનુસાર, ચૂંટણી લડતાં પ્રત્યેક ઉમેદવારે પોતાનું નામાંકન પત્ર દાખલ કરતી વખતે સાથે એક સોગંદનામું પણ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવાનું હોય છે. આ એફિડેવિટમાં ઉમેદવારે પોતાની, પોતાનાં જીવનસાથીની, બાળકોની તથા પરિવારજનોની તમામ સ્થાવર જંગમ મિલકતો, પોતાનો વ્યક્તિગત પોલીસ રેકર્ડ ( કેસ વગેરે છે કે કેમ ?) , બેંકખાતાંઓની વિગતો, નાણાંકીય રોકાણો, અભ્યાસ, ઉંમર, એડ્રેસ તેમજ સરકારી અને ખાનગી લેણાં તથા દેણા સહિતની તમામ પ્રકારની આવશ્યક માહિતી વિગતો સાથે દર્શાવવાની હોય છે. પાછલાં પાંચ વર્ષમાં ઉમેદવાર તથા જીવનસાથી તેમજ સંતાનો સહિતનાં પરિવારજનોની આવકોના ઈન્કમટેકસ રિટર્નની વિગતો પણ તંત્ર સમક્ષ મૂકવાની હોય છે, આ વિગતો ચૂંટણી તંત્ર દ્વારા સાર્વજનિક કરવામાં આવે છે જેથી મતદારો પોતાનાં ભાવિ પ્રતિનિધિ અંગે જાણકારીઓ પ્રાપ્ત કરી શકે, લેખાંજોખાં કરી શકે. પ્રથમ જામનગર શહેરની બંને વિધાનસભા બેઠકો પરનાં બંને મુખ્ય પક્ષોનાં કુલ ચાર ઉમેદવારોની વિગતો અત્રે જોઈએ.
સૌ પ્રથમ આપણે 78-જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરનાં ભાજપાનાં ઉમેદવાર રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા ( તેઓ પોતાનું નામ રિવાસિંહ સોલંકી લખે છે) નાં સોગંદનામાં માં દર્શાવવામાં આવેલી વિગતો ટૂંકમાં જોઈએ. તેઓ જામનગરમાં પંચવટી વિસ્તારમાં વસવાટ કરે છે પરંતુ તેઓ મતદાર તરીકે રાજકોટ પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં નોંધાયેલા મતદાર છે. વર્ષ 2021/22 નાં આવકવેરા રિટર્નમાં તેઓએ પોતાની વાર્ષિક આવક રૂ. 6,20,022 દર્શાવેલી છે. તેઓ છેલ્લાં ત્રણ વર્ષથી રિટર્ન ફાઇલ કરે છે. તેઓએ વ્યવસાયની આવક દર્શાવી છે. વ્યવસાય અંગે સોગંદનામાં માં સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેઓનાં જીવનસાથી, ભારતીય ક્રિકેટ ટીમના જગવિખ્યાત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 2021/22 નાં આવકવેરા રિટર્નમાં રૂ. 18 કરોડ 56લાખ 23,410 ની વાર્ષિક આવક જાહેર કરી છે. 2017/18 માં તેઓએ વાર્ષિક આવક રૂ. 13કરોડ 27 લાખ 38,652 દર્શાવી હતી. પાછલાં બે વર્ષ દરમિયાન તેઓએ HUF( હિંદુ અવિભક્ત કુટુંબ) આવકવેરા રિટર્ન પણ દાખલ કર્યા છે જેમાં વાર્ષિક આવક રૂ. 12,30,255 જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર રિવાબા જાડેજા પર એક પણ પ્રકારનો પોલીસ કેસ નથી.
રિવાબાએ પોતાની પાસે 120 તોલા સોનું અને 15 કિલો ચાંદી તથા હીરાજડિત જવેલરી અને હાથ પરની રોકડ વગેરે મળી કુલ રૂ. 62,35,693 ની જંગમ મિલકતો દર્શાવી છે. તેઓએ જાહેર કર્યું છે કે તેઓનાં નામે એક પણ વાહન નોંધાયેલું નથી. આપણે સૌ જાણીએ છીએ કે, તેઓનાં જીવનસાથી રવિન્દ્ર જાડેજા સેલિબ્રિટી હોય, તેઓનાં નામે ભારતીય અને વિદેશી કારો વોક્સવેગન, ફોર્ડ તથા ઔડી નોંધાયેલી છે. જે સોગંદનામામાં પણ દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા રાજકોટમાં જડુસ રેસ્ટોરન્ટ સહિત કુલ રૂ. 33 કરોડ 5 લાખની સ્થાવર મિલકત ધરાવે છે. કોઈ પણ પ્રકારની બેંક લોન નથી. જાડેજા પરિવાર ભાડાંની, વ્યાજની તથા HUF આવકો ધરાવે છે. રૂ. 1.20 કરોડનું રોકાણ તેઓએ રેસ્ટોરન્ટમાં કર્યું છે જે ભાગીદારી સાહસ છે. આ ઉપરાંત રાજકોટમાં તેઓનું એક બિલ્ડીંગ રૂ. 16 કરોડની કિંમત ધરાવે છે.
હવે આપણે 78-જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરનાં કોન્ગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાનાં સોગંદનામાંની કેટલીક વિગતો જોઈએ. તેઓ અથવા તેઓનાં પત્નીનાં નામ પર એક પણ વાહન નોંધાયેલું નથી. તેઓનો પોલીસ રેકર્ડ પણ નીલ છે. તેઓએ પોતાની વાર્ષિક આવક રૂ. 2,62,560 અને પત્નીની વાર્ષિક આવક રૂ. 2,55,261 જાહેર કરી છે. તેઓએ પોતાની સોનું, રોકડ, રોકાણો સહિતની જંગમ મિલકત તરીકે રૂ. 35,98,358 નો આંકડો જાહેર કર્યો છે. તેઓનાં પત્નીની જંગમ મિલકતો રૂ. 29,96,529 છે. ઉમેદવારની પોતાની સ્થાવર મિલકત રૂ. 64,50,000 છે જયારે તેમનાં પત્નીનાં નામે રૂ. 41,50,000 ની સ્થાવર મિલકત જાહેર કરવામાં આવી છે. ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા આ ઉમેદવાર વ્યાપાર ઉદ્યોગ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અને જામનગર ચેમ્બરમાં તેઓ બે ટર્મથી પ્રમુખ છે.
79-જામનગર દક્ષિણનાં ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીનાં સોગંદનામાં મુજબ, તેઓ પણ કરોડપતિ ઉમેદવાર છે. 44 વર્ષીય આ ઉમેદવારે 2021/22 નાં આવકવેરા રિટર્નમાં પોતાની વાર્ષિક આવક રૂ. 13,48,610 દર્શાવી છે. 2017/18 માં તેઓની વાર્ષિક આવક રૂ. 5,58,151 હતી. તેઓનાં પત્નીની વર્ષ 2017/18 ની વાર્ષિક આવક રૂ. 4,31,108 અને વર્ષ 2021/22 ની વાર્ષિક આવક રૂ. 5,32,651 રિટર્નમાં દર્શાવવામાં આવી છે. દિવ્યેશ અકબરીનો પોલીસ રેકર્ડ નીલ છે. તેઓએ SYBCom સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ બેંક, વ્યકિતગત લોન, શેર, થાપણો અને રોકડ મળી કુલ રૂ. 1,94,67,345 ની જંગમ મિલકતો ધરાવે છે.તેઓના પત્ની રોકડ તથા દાગીના વગેરે મળી કુલ રૂ. 47,13,679 ની જંગમ મિલકતો ધરાવે છે. તેઓનાં પત્નીનાં નામે એક ફેક્ટરી છે. ઉમેદવાર પોતે બ્રાસપાર્ટનો વ્યવસાય તથા વેપારની આવક ધરાવે છે. તેઓ રૂ. 55,08,600 ની મિલકત ધરાવે છે અને બેંક તથા વ્યક્તિગત મળી કુલ રૂ. 96,55,701 નું દેણું ધરાવે છે એવું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે.
79-જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક પરનાં કોન્ગ્રેસના ઉમેદવાર મનોજ કથિરીયા પણ આર્થિક રીતે સુખી સંપન્ન પરિવાર છે. તેઓએ ઈન્કમટેકસ રિટર્નમાં વર્ષ 2021/22 માં પોતાની વાર્ષિક આવક રૂ. 21,01,730 દર્શાવી છે. તેઓએ વર્ષ 2017/18 માં પોતાની વાર્ષિક આવક રૂ. 22,61,665 હતી એમ પણ જાહેર કર્યું છે. તેઓનાં પત્ની છેલ્લાં ત્રણ વર્ષથી ઈન્કમટેકસ રિટર્ન ફાઇલ કરે છે. તેઓએ છેલ્લાં વાર્ષિક રિટર્નમાં રૂ. 9,13,649 ની વાર્ષિક આવક જાહેર કરી છે. મનોજ કથિરીયાનો પોલીસ રેકર્ડ ચોખ્ખો છે. તેઓની પાસે 17 તોલા અને તેઓનાં પત્ની પાસે 40 તોલા સોનું હોવાનું જાહેર થયું છે. સોનું, રોકડ, બેંક થાપણો વગેરે મળી મનોજ કથિરીયા રૂ. 4,57,84,799 ની જંગમ મિલકતો ધરાવે છે જ્યારે તેઓનાં પત્નીનાં નામે કુલ રૂ. 2,44,47,768 ની જંગમ મિલકતો જાહેર કરવામાં આવી છે. ધોરણ નવ સુધીનો અભ્યાસ ધરાવતાં મનોજ કથિરીયા ખેતીની જમીન સહિત રૂ. 12 કરોડથી વધુની સ્થાવર મિલકત ધરાવે છે. તેઓ રૂ. 1,70,56,686 ની કુલ લોન ધરાવે છે જેમાં બેંક તથા વ્યક્તિગત લોનનો સમાવેશ થાય છે. તેઓ કોઇ પણ પ્રકારના સરકારી દેણા ધરાવતાં નથી. અને, પતિપત્ની બંને વેપારની નેટ આવક ધરાવે છે.
ટૂંકમાં, જામનગર શહેરની બંને વિધાનસભા બેઠકો માટેનાં બંને પક્ષોનાં ચારેય ઉમેદવારો ‘ ખાધેપીધે ‘ સુખી છે અને નોંધપાત્ર પ્રમાણમાં મિલ્કતો પણ ધરાવે છે.