Mysamachar.in:અમદાવાદ
સમુદ્રનાં પેટાળમાં ઉદ્દભવતા દરેક ચક્રવાતનો એક અલગ મિજાજ હોય છે. કેટલીક સામ્યતાઓને બાદ કરતાં, આ દરિયાઈ ચક્રવાત જયારે જમીન પર વાવાઝોડાં તરીકે ત્રાટકે છે ત્યારે, પરિસ્થિતિ મુજબ તેની પેટર્ન અલગ અલગ જોવા મળતી હોય છે. આ સંદર્ભમાં હાલનાં દરિયાઈ ચક્રવાત અંગે પણ જુદાં જુદાં નિષ્ણાતો અનુમાનો અને આગાહીઓ વ્યક્ત કરી રહ્યા છે. આ ચક્રવાત જ્યારે ‘બિપોરજોય’ વાવાઝોડાંનાં રૂપમાં ગુજરાત અથવા પાકિસ્તાની ભૂમિ પર ત્રાટકશે ત્યારે તેની પેટર્ન શું હોય શકે ? તે અંગે અનુમાન વ્યક્ત થયું છે.
દરિયાઈ ચક્રવાતની હાલની ગતિ પ્રતિ કલાક ખૂબ જ ઓછી જણાઈ રહી હોય, શકય છે કે – આ ચક્રવાત જમીન પર વાવાઝોડાં તરીકે આજે સાંજની બદલે વિલંબથી ત્રાટકી શકે છે. ચક્રવાત ઘણી વખત દરિયામાં સ્થિર પણ થતો હોય છે. જેને કારણે પણ વિલંબ થતો હોય છે. હાલનાં ચક્રવાતની જ વાત કરીએ તો, કાલે બુધવારે થોડાં કલાકો માટે તેની આગળ વધવાની ગતિ સાવ નહિવત્ થઇ ગઈ હતી, એવું ખુદ ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું હતું.
હાલમાં આ દરિયાઈ ચક્રવાત કચ્છનાં જખૌ બંદરથી 180 કિમી દરિયામાં દૂર છે. અને ચક્રવાતની હાલની ગતિ કલાકના પાંચથી સાત કિમીની જોવા મળી રહી છે. આમ છતાં એવું જાહેર કરવામાં આવ્યું છે કે, કચ્છમાં આ સંભવિત વાવાઝોડું આજે સાંજે અથવા મોડી સાંજે ત્રાટકશે. એમ પણ કહેવાય છે કે, આ ચક્રવાત જ્યારે ‘બિપોરજોય’ વાવાઝોડાંનાં રૂપમાં જમીન સાથે ટકરાશે ત્યારે થોડાં સમયનાં અંતરે બે વખત ટકરાશે ! એટલે કે વાવાઝોડું બે વખત થપાટો લગાવશે ! આ સાથે એમ પણ માનવામાં આવી રહ્યું છે કે, પવનની ગતિનાં સંદર્ભમાં જમીન પર ટકરાતી વખતે વાવાઝોડાંનાં કુલ 3 લેયર હોય શકે છે. જે પૈકી એકાદ લેયર ખતરનાક પુરવાર થઈ શકે છે. આ પ્રકારના અનુમાનો હવામાન નિષ્ણાતો દ્વારા થઈ રહ્યા છે.
દરમિયાન હવામાન વિભાગના જિવીન લાલે જણાવ્યું છે કે, જખૌ બંદર પર આજે સાંજે વાવાઝોડું ટકરાશે. જેને કારણે આજે ભારે વરસાદ થશે. વાવાઝોડાંનો કુલ ઘેરાવો 500 કિમી રહી શકે છે. કચ્છ ઉપરાંત જામનગર અને દ્વારકા જિલ્લામાં તેની અસરો જોવા મળી શકે છે. વાવાઝોડાની આંખનો ઘેરાવો 50-60 કિમીનો રહી શકે છે એમ પણ તેઓએ કહ્યું. આ સાથે એવાં અનુમાનો પણ વહેતાં થયાં છે કે, આજે સાંજે આઠ વાગ્ય સુધીમાં અથવા રાત્રે સાડા નવ વાગ્યા સુધીમાં કચ્છમાં વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના છે. જો કે ભારતીય હવામાન વિભાગે આ માટે કોઈ નિશ્ચિત સમયની જાહેરાત કરી નથી પરંતુ એટલું જરૂર કહ્યું છે કે, આજે સાંજે વાવાઝોડું કચ્છને ક્રોસ કરશે.