Mysamachar.in-ગાંધીનગર
રાજ્યમાં ચોમાસાની શરૂઆત સારી રહી છે, પણ છેલ્લા કેટલાય દિવસોથી આગાહીઓ પર આગાહીઓ થાય છે, પણ મેઘરાજા હેત વરસાવતા નથી ત્યારે સૌ કોઈ ચિંતિત બન્યું છે, એવામાં સરકારને પણ સ્થિતિનો અંદાજ આવી જતા સરકાર પણ આ મામલે ગંભીર બની અને અત્યારથી જ તૈયારીઓ શરુ કરી હોય તેમ લાગે છે, રાજ્યમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને હજુ સુધી જોઈએ એટલો વરસાદ થયો નથી. ગુજરાતમાં અત્યાર સુધી વાત કરવામાં આવે તો હજુ 45 ટકા જેટલા વરસાદની ઘટ છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોના પાક સુકાવા લાગ્યા છે. બીજીતરફ વરસાદના અભાવે રાજ્યના ડેમો તથા જળાશયોમાં પણ પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. જેથી રાજ્ય સરકાર ખેડૂતોને પાણી આપી શકે તેવી સ્થિતિમાં પણ નથી. હવે ખેડૂતોની સ્થિતિને લઈને સરકાર સામે પણ સંકટ ઉભુ થયું છે.
રાજ્યમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો માટે મોટુ સંકટ ઉભુ થયું છે.તો આગામી સમયમાં પીવાના પાણીની સ્થિતિ બગડે તેવી શક્યતાઓ છે, એવામાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વરસાદ અંગે ખુબ ગંભીર ચર્ચા કરવામાં આવી છે. સૂત્રોના હવાલેથી મળતી વિગતો પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીવાના પાણીની અને ખેડૂતો માટે સિંચાઈના પાણી માટે સીનિયર મંત્રીઓને જવાબદારી સોંપી છે. કૃષિ મંત્રી આર.સી.ફળદુ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને જવાબદારી સોંપવામાં આવી છે. નર્મદા પર પીવાના પાણીનો આધાર હોવાને કારણે સિંચાઈ માટે પાણી આપવું પણ મુશ્કેલ છે. જેથી સરકાર હવે કોઈ વૈકલ્પિક ઉકેલ વિચારી શકે છે. કેબિનેટના સીનિયર મંત્રીઓ શું કરી શકાય તેનો રસ્તો શોધવાનો પ્રયાસ કરશે.
આ વર્ષે હમણા સુધી ચોમાસાની સીઝન અડધી થઈ હોવા છતાં વરસાદ નથી પડ્યો. તો બીજી તરફ રાજ્યમાં ઓછા વરસાદ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સીએમને પત્ર લખ્યો છે. અનાવૃષ્ટિથી પીડિત ખેડૂતોને સહાય કરવા અને મુખ્યમંત્રી સહાય યોજનામાંથી વળતર આપવા પરેશ ધાનાણી દ્વારા માંગ કરાઈ છે. તેમણે પત્રમાં લખ્યું કે, રાજ્યમા અનાવૃષ્ટિની પરિસ્થિતિ નિર્માણ થયું છે. દક્ષિણ ગુજરાતમા બાદ કરતા રાજ્યમા ૩૫ ટકા ઓછો વરસાદ પડ્યો છે. સિંચાઈના પાણી અને વીજળીના અભાવે પાક બચાવી શકતા નથી. તેથી ખેડૂતને 14 કલાક વીજળી આપવા માંગ કરાઈ છે. ખેતીનું 100 ટકા સર્વે કરી તાત્કાલિક વળતર આપવા માંગ કરાઈ છે. તેમણે કહ્યું કે, પશુઓ માટે ઘાસ ચારાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે. નાગરિકો અને પશુઓના પાણીની વ્યવસ્થા કરવી. તેમજ તોકતે અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો ફરીથી સ્થાપિત કરવો.