Mysamchar.in-જામનગર:
જામનગર સહિત રાજ્યભરમાં વેટનાં જૂનાં બાકીદાર ધંધાર્થીઓને સરકારે મોટી રાહત આપી, ટેક્સ ડીમાન્ડ – વ્યાજ અને પેનલ્ટી બધું જ માફ કરી દેવામાં આવ્યું છે !! આ બાકીદારો વર્ષોથી વેટ તંત્રને દાદ આપતાં ન હતાં ! અત્યંત વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકારે આ નિર્ણય ખૂબ જ ચૂપકીદીથી લીધો છે. ક્રેડિટ મેળવવા ક્યાંય પ્રયાસ પણ થયો નથી.સૂત્રોના જણાવ્યાનુસાર, જે ધંધાર્થીઓ વર્ષ 2006 પહેલાં વેટ અંતર્ગત નોંધાયેલા છે તેઓને પ્રતિવર્ષ રૂ. 1 લાખ સુધીની રકમ વેઈવ કરવામાં આવશે ! એટલે કે, સરકારે આ રકમ માંડવાળ કરી નાંખી ! અને, જે ધંધાર્થીઓ વર્ષ 2006 થી 2017 દરમિયાન વેટ અંતર્ગત નોંધાયેલા છે તેઓને આ રાહતનો લાભ પ્રતિ વર્ષ રૂ. 50,000 નાં ધોરણે આપવામાં આવશે !
સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે, આ પ્રકારના બાકીદારો પૈકી 62 ટકા બાકીદારો એવાં છે જેઓ પાસેથી હજુ સુધી માત્ર 0.3 ટકા જ રિકવરી થઈ શકી છે ! જે ધંધાર્થીઓ વેટ વ્યવસ્થામાંથી GST કરમાળખામાં ગયા છે તેઓ પણ આ બેનિફિટ મેળવી શકશે, ટૂંકમાં ચૂંટણી પહેલાં લોટરી નીકળી ચૂકી છે ! રસપ્રદ મુદ્દો એ પણ છે કે, જેઓ હાલમાં વેટ અંતર્ગત બિઝનેસ કરી રહ્યા છે તેઓને આ સ્કીમનો લાભ આપવામાં આવશે નહીં. જે બાકી કરદાતાઓ ટેક્સ ડીમાન્ડ મુદ્દે સરકાર સામે અપીલમાં ગયા છે એટલે કે કાનૂની વિવાદ ચાલી રહ્યો છે તેઓએ આ વિવાદ અંગે સરકારને 30 દિવસમાં જાણકારી આપવાની રહેશે. એસેસમેન્ટ સંબંધી જે ધંધાર્થીઓએ 31 ઓગસ્ટ, 2022 સુધીમાં કોઈ પણ પ્રકારનો ફાઈનલ ઓર્ડર વિભાગ તરફથી પ્રાપ્ત કર્યો હોય તેઓએ સરકારની આ સ્કીમની વધુ વિગતો જાણવા અને સ્કીમનો મહત્તમ લાભ પ્રાપ્ત કરવા સંબંધિત તંત્રનો સંપર્ક કરવાનો રહેશે, એમ સૂત્ર ઉમેરે છે.






