Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું તા.25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. અંદાજીત રૂ. 978.93 કરોડના ખર્ચે આ વિશીષ્ટ કેબલ સ્ટેયડ બ્રિજનું નિર્માણ થયુ છે. આ તકે જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાએ જણાવ્યુ હતુ કે, ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોરલેન સિગ્નેચર બ્રિજ જે 900 મીટર લોન્ગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનેલો છે. બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર છે. ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 370 મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર અને 900 મીટર કેબલ સ્ટેઈડ બ્રીજ છે.
આ બ્રિજ બનતાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકોએ અવરજવર કરવી પડતી હતી તેના બદલે હવે બ્રિજનો ઉપયોગ થશે. બોટમાં મુસાફરી માટે અંદાજિત 30થી 40 મિનિટનો સમય લાગતો હતો તે હવે ઘણો જ ઓછો સમય લાગશે. વધુમાં કલેક્ટરએ જણાવ્યુ હતુ કે, રાહદારીઓ માટે વ્યુઈંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે. ફુટપાથની બાજુ પર કાર્વિંગ પથ્થર પર કોતરણી કામ કરી શ્રીમદ્દ ભાગવત ગીતાજીનાં શ્લોકો દર્શાવવામાં આવ્યા છે. જે આકર્ષણ કેન્દ્ર વધારશે. બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર 20 x 12 મીટરના 4- મોરપંખ આકારવામાં આવ્યા છે.
આ બ્રિજની બંને તરફની ફુટપાથ પર 1-મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરવા માટે સોલાર પેનલ લગાવવામાં આવી છે. બ્રીજ પર 12 જેટલા લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવી છે. આ બ્રિજથી દ્વારકા, ઓખા અને બેટ-દ્વારકામાં રહેતા લોકોને રોજગારીની નવી તકો મળશે તેમજ ભગવાન શ્રીક્રુષ્ણનાં દર્શનાર્થે આવતા પ્રવાસીઓને બ્રિજની સગવડતા મળવાથી સરળતાથી દર્શનનો લાભ મળશે.