Mysamachar.in-અમદાવાદઃ
નવા ટ્રાફિક નિયમો લાગુ થતાની સાથે જ રાજ્યમાં લોકો નિયમોનું પાલન કરવામાં સજાગ બન્યા છે. જો કે સરકાર દ્વારા લોકોને પોતાના વાહનના કાગળો તૈયાર કરવા માટે સમય આપ્યો છે, જેથી લોકો હેલમેટની ખરીદી કરવાથી લઇને PUC તૈયાર કરાવી શકે. ખાસ કરીને હેલમેટ અને પીયુસીના નિયમોથી બજારમાં અનેક લોકો માટે રોજગારીની તકો ઉભી થઇ છે. નાના ફેરીયાઓથી લઇને મોટી દુકાનોમાં હેલમેટનું ધોમ વેચાણ થઇ રહ્યું છે, તો PUCના અનેક સેન્ટર ખોલવામાં આવ્યા છે. તમે પણ પીયુસીનું સેન્ટર ખોલી સારા એવા પ્રમાણમાં રોજગારી મેળવી શકો છો. થોડા સમય પહેલા જ રાજ્ય સરકારે પીયુસી ખોલવા માટેના નિયમોમાં છૂટછાટ આપી છે, જેથી સામાન્ય જનતા સમયસર અને યોગ્ય રીતે પોતાના વાહનનું PUC કરાવી શકે.
ટ્રાફિકના નવા નિયમ પહેલા પીયુસી સેન્ટર ખોલવા માટે 2011ની 8 પાનાની ગાઇડલાઇન હતી, જો કે આ ગાઇડલાઇનમાં અનેક વાંધાઓ હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી, આ ફરિયાદને ધ્યાને રાખી સરકારે પીયુસી સેન્ટર ખોલવા માટેના કેટલાક નિયમો હળવા બનાવ્યા, આ નિયમોમાં કેરેક્ટર સર્ટિફિકેટ, પીયુસી સેન્ટર ખોલવાની મંજૂરી મળ્યા પહેલા પીયુસી મશીનની ખરીદી, બેન્ક તરફથી સધ્ધરતાનું સર્ટિફિકેટ, દુકાનનો ભાડા કરાર જેવા ધણાં જ બિનજરુરી નિયમોનો સમાવેશ થતો હતો. પીયુસીની નવી ગાઇડલાઇનનો પરિપત્ર રાજ્યના વાહનવ્યવહાર વિભાગે બહાર પાડયો છે. ત્રણ પાનનાં આ નવા પરિપત્રમાં 50 ટકા નિયમો કાઢી નાખવામાં આવ્યા, જેમાં અરજદારે અરજી સાથે માત્ર ત્રણ પૂરાવા રજૂ કરવાના રહેશે, એમાય જો અરજદાર તાત્કાલિક પૂરાવા ના રજૂ કરી શકે તેમ હોય તો બાંહેધરી પત્રકથી પણ કામ ચાલી શકશે.
શું છે નવા નિયમો ?
સેન્ટરની જગ્યા માલિકીની અથવા લીઝ પર લીધેલી હોવી જોઇએ. અરજદારે ઓછામાં ઓછા 1 ગેસ એનલાઇઝર અથવા એક ધુમાડાનું મીટર કોમ્પ્યુટર જોડાણ કેમેરા સાથે ફીટ કરેલું હોવું જોઇએ. ટેકનિશિયન ધોરણ 10 પાસ તથા ટેકનિકલ કોર્સ પાસ કરેલો હોવો જોઇએ. રુપિયા 15 હજારની સિક્યોરિટી ડીપોઝીટ, મશીન ખરીદીના બિલોની સ્વપ્રમાણિત નકલ, મશીનનું અપગ્રેડેશન અને કેલીબ્રેશન સર્ટીફિકેટ, વાહન 4.0 સાથે ઇન્ટીગ્રેશન કર્યાનો પૂરાવો, કોમ્પ્યુટર કેમેરા, પ્રિન્ટર, ખરીદી કર્યાના બિલની કોપી, પીયુસી મશીનની ટેસ્ટીંગ એજન્સીનુ પ્રમાણ પત્ર હોવું જોઇએ.