Mysamachar.in-જામનગર:
જામનગર પોલીસે એક અખબારી યાદી જાહેર કરી. આ યાદીમાં જણાવાયા અનુસાર, પોલીસે 10મી સપ્ટેમ્બરે એક સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી, આ ડ્રાઈવ દરમ્યાન પોલીસે 1,571 શખ્સને શોધી શોધી, તેમને તપાસ્યા અને આ તમામ કામગીરીઓની પોલીસ રેકોર્ડમાં નોંધ કરી.
પોલીસ વિભાગે જાહેર કરેલી વિગતો અનુસાર, આ તમામ એવા શખ્સો છે જે કાં તો ખરાબ ચાલચલગત ધરાવે છે અથવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓ ધરાવતાં અજાણ્યા શખ્સો છે અથવા અન્ય જિલ્લાના કે અન્ય રાજ્યના એવા શખ્સો છે જેમની ચાલચલગત શંકાસ્પદ દેખાઈ રહી છે.
પોલીસે આ તમામ શખ્સોને આ ડ્રાઈવ દરમ્યાન શોધી લીધાં. અને આ શખ્સોની જરૂરી વિગતો સાથેની તમામ માહિતીઓ પોલીસ રેકોર્ડમાં નોંધી લીધી. જો કે એમ જાહેર થયું નથી કે, આ શખ્સો પૈકી આટલાં શખ્સો વિરુદ્ધ અટકાયતી અથવા આ પ્રકારના પગલાંઓ લેવામાં આવ્યા.
આ પ્રકારની પોલીસ વિભાગની યાદી જાહેર થતાં સામાન્ય લોકોના મનમાં પહેલો પ્રશ્ન એ ઉઠ્યો કે, આ 1,571 શખ્સો હાલ શી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ? તેઓ અસામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે કે ‘સારા’ માણસો તરીકે જિવી રહ્યા છે ? આ બધાં સુધરી ગયા છે ? આ ડ્રાઈવ થઈ એ અગાઉ આમાંથી કોઈ શખ્સ અથવા શખ્સોએ કોઈ ગુનો આચરેલો હોય અને તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહીઓ કરવાની બાકી હોય એવા કોઈ કેસ ખરાં ? આ તમામ શખ્સોની હાલની આજિવિકાનું સાધન શું છે ? વગેરે સંબંધિત બાબતો અંગે લોકોના મનમાં કૌતુકભર્યા પ્રશ્નો ઉઠી રહ્યા છે.
