Mysamachar.in:અમદાવાદ
હજુ તો બે દિવસ પૂર્વેની જ વાત છે કે રાજકોટમાં વરઘોડામાં જાહેરમાં દારુની બોટલો સાથેના ડાન્સનો વિડીયો વાઈરલ થયો હતો, જે બાદ પોલીસે દારૂની બોટલ સાથે ડિસ્કો કરનારાઓને કાયદાનું ભાન કરાવ્યાનું નજર સમક્ષ છે ત્યાં જ આવી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં જાનૈયાઓ જુગાર રમતા પોલીસના હાથમાં આવી જતા જાનમાં જવાને બદલે જાનૈયાઓ પોલીસ સ્ટેશને પહોચી ગયા છે. અમદાવાદના પાલડી પાસે બે મિત્રોના લગ્નમાં જાનૈયા પહોંચ્યા હતા. અને બન્ને વરરાજાના મિત્રો પણ કોમન હતા એટલે લગ્નમાં જુગાર નાઈટ રમવાનું નક્કી કર્યું હતું.
જેમાં વારાફરતી બંનેના લગ્ન હતા. ત્યારે પ્રિતમનગરના એક ફ્લેટમાં ઉપરના માળે એકના મિત્રો અને નીચેના માળે બીજા જુગાર રવામાં બેઠા હતા. ત્યારે પોલીસે એન્ટ્રી મારીને રેડ પાડતાં બંનેના જાનૈયાઓેને રંગેહાથ પકડી પાડ્યા હતા. મહત્વની વાત એ છે કે એક વરરાજા પણ પકડાઈ ગયા હતા. જોકે, તેની આજે સગાઈ હોવાથી તેને જવા દેવામાં આવ્યા હતા પરંતુ નિવેદન નોંધાવવા તેને પોલીસ સ્ટેશન ફરી જવું પડશે.
વધુ આશ્ચર્ય ત્યારે થાય જયારે એક બે નહીં પણ 89 લોકો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસને આ જગ્યાએથી 29.38 લાખ રૂપિયાના 98 મોબાઈલ ફોન મળી આવ્યા છે. જ્યારે તેમની પાસેથી 35 ટુવ્હીલર અને 18 ફોર વ્હીલર મળી આવ્યા હતા. જેની અંદાજિત કિંમત એક કરોડ 25 લાખથી વધુ થાય છે. આ સમગ્ર મામલે હાલ પોલીસે કુલ 1.58 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.અમદાવાદ શહેરના એલિસબ્રિજ પાસે એક લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ભેગા મળીને જુગાર રમતા હતા.
આ વાતની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. જ્યાં 100થી વધુ લોકો જુગાર રમતા હતા. હાલ 89 લોકોની અટકાયત કરીને કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એક તરફ લગ્નમાં મહાલવા આવેલા મહેમાનો હવે પોલીસની મહેમાનગતિ માણી રહ્યા છે. લગ્નના એક દિવસ પહેલાંના પ્રસંગમાં વરરાજાના મિત્ર અને મહેમાનો ભેગા મળીને જુગાર રમતા હતા, ત્યારે પોલીસે રેડ કરીને તમામને ઝડપી લીધા છે.આ બનાવે આ ભારે ચર્ચાઓ જગાવી છે.