Mysamachar.in-અમદાવાદઃ
આ વખતે ચોમાસુ એક દોઢ મહિના વધુ લંબાયું છે જેના કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે, સામાન્ય રીતે ઓક્ટોબરના અંતમાં અને નવેમ્બરમાં જે ઠંડીની અસર શરૂ થવી જોઇએ તે નવેમ્બરના અંતમાં શરૂ થઇ છે ત્યારે સમગ્ર ઋતુચક્રમાં ફેરફાર આવ્યા છે, એવામાં હવામાન ખાતાએ વધુ એક મોટી આગાહી કરતાં જણાવ્યું કે ચોમાસું લંબાયું હોવાથી હવે શિયાળો પણ લંબાવાની શક્યતાઓ છે. એટલે કે આ વખતે માર્ચ-એપ્રિલ સુધી ઠંડી પડવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ૨૮મી નવેમ્બર બાદથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કાતીલ ઠંડી પડશે. હવામાન ખાતાનું કહેવું છે કે ઠંડીમાં હિમાલયના દક્ષિણ હિસ્સામાં વેસ્ટર્ન ડિસ્ટબન્સની સંખ્યા વધી શકે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન આવા ૪-૫ ડિસ્ટબન્સ આવતા પહાડો પર હિમવર્ષા થઈ શકે છે. જેથી મેદાની રાજયોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે અને આ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હિમાલયમાં હિમવર્ષા થઇ છે, જેને લઈને આગામી ૨૮ નવેમ્બર સુધીમાં સમગ્ર ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે. આ વર્ષે દેશમાં માર્ચ મહિના સુધી ઠંડીનું જોર રહેશે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં હાડ થીજવતી ઠંડી પડે તેવી સંભાવના છે.