Mysamachar.in-અમદાવાદઃ
ગુજરાત પર ફરી વાવાઝોડાની ઘાત સર્જાઇ છે, અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમ સર્જાઇ હતી તેણે હવે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, આ વાવાઝોડાને ‘મહા’ નામ આપવામાં આવ્યું છે. હવે તે સંપૂર્ણ રીતે વાવાઝોડું બની ગયું છે જે ધીમી ગતીએ લક્ષદ્વિપ પાસે પહોંચી ગયું છે. ટૂંક સમયમાં જ ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. દિવાળીના તહેવાર પર ક્યાર વાવાઝોડાને કારણે કમોસમી વરસાદ પડ્યો હતો, તો હવે મહા વાવાઝોડાને લીધે ફરી મેઘસવારી આવશે તેવા એંધાણ છે. અગાઉથી જ કમોસમી વરસાદમાં બચી ગયેલા ખેડૂતોના પાક હવે મહા વાવાઝોડાને કારણે સંપૂર્ણ નષ્ટ થઇ જશે તેવો ભય સર્જાયો છે.
હવામાન વિભાગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે 'મહા' સીવિયર સાયક્લોન બની ગયું છે, એક અંદાજ પ્રમાણે 6થી 7 નવેમ્બર સુધીમાં આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાશે. વાવાઝોડાના કારણે વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. મહા વાવાઝોડાને કારણે 7 નવેમ્બરે 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઇ તેવી શક્યતાઓ છે. મહા વાવાઝોડાની સૌરાષ્ટ્રમાં ખાસ અસર વર્તાશે. હાલ મગફળી અને કપાસ જેવા પાક તૈયાર થઇ ગયા છે, એવામાં વરસાદને કારણે આ પાકને સૌથી વધુ નુકસાન પહોંચે તેવું ખેડૂતોનું માનવું છે.