Mysamachar.in-અમદાવાદ
કોરોના મહામારીને ફેલાતી અટકાવવા માસ્ક માત્ર ઉપાય માનવામાં આવી રહ્યો છે, અને પોલીસને પણ માસ્કનો દંડ ઉઘરાવવાની સતા સરકાર દ્વારા આપી દેવામાં આવી છે, ત્યારે આ તકનો કેટલાક નકલી પોલીસકર્મીઓ પણ લાંભ લઇ રહ્યાનો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો, અમદાવાદ શહેરના કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ઈસમો નકલી પોલીસ બનીને માસ્કનો દંડ ઉઘરાવતાં પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા છે, તેમની પાસેથી પોલીસે કુલ 9700 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈને બંનેની અટક કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રિલીફ રોડ પર સ્થિત ફેશન વર્લ્ડ ટેલરમાં બે ઈસમો પોલીસનો વેશ ધારણ કરીને પોલીસના નામે માસ્કનો દંડ ઉઘરાવતાં હતાં. તે ઉપરાંત તેઓ કોઈ ફંડની માંગ સાથે એવું પણ કહી રહ્યાં હતાં કે જો ફંડ નહીં આપો તો દુકાનમાં માસ્ક નહીં પહેરેલ હોય તે બધાના 5 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. આમ જણાવી તેમણે દુકાનદાર પાસેથી 1700 રૂપિયા મેળવીને ઠગાઈ આચરી હતી. પોલીસે કોતરપુરના રાજેશ બહુરૂપિયા અને જગદીશ હિરાવત નામના આરોપીની અટક કરી હતી અને તેમની પાસેથી કુલ 9700 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.