Mysamachar.in-ગાંધીનગર:
તાજેતરમાં ગૃહરાજ્યમંત્રીએ પોતાના વિભાગની એક બેઠક બોલાવી હતી. એમ માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં હથિયાર પરવાના અંગે કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે. અત્યંત આધારભૂત સૂત્રના કથન મુજબ, અત્યાર સુધીમાં તાજેતરમાં રાજ્યમાં 500થી વધુ હથિયાર લાયસન્સ રદ્દ થઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં વધુ 5,000 જેટલાં ગન લાયસન્સ રદ્દ થઈ શકે છે. અધિકારીઓને એવી સૂચનાઓ આપવામાં આવી હોવાનું કહેવાય છે કે, જેતે હથિયાર લાયસન્સ ધારકને રક્ષણ માટે હથિયારની ખરેખર જરૂરિયાત છે કે કેમ, એ બાબતની ચકાસણીઓ અને સમીક્ષાઓ કરી જરૂર પડ્યે હથિયાર લાયસન્સ રદ્દ કરવા.

અત્રે ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં એવું બહાર આવ્યું કે, દેશના અન્ય રાજ્યોમાંથી હથિયાર લાયસન્સ તથા હથિયાર ગુજરાતના ઘણાં લોકોએ મેળવી લીધાં છે. આ પૈકી અમુક લોકોની ધરપકડ પણ થઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હાલમાં ગુજરાતમાં ગન લાયસન્સ લેવાનું પ્રમાણ પણ વધી ગયું છે.
ગુજરાત સરકારે હાલમાં નવા ગન લાયસન્સ આપવાની પ્રક્રિયાઓ કડક બનાવી છે. સરકારના આંકડા મુજબ, વર્ષ 2016માં રાજ્યમાં 60,784 લોકોએ ગન લાયસન્સ મેળવ્યા હતાં. અને, વર્ષ 2023માં આ લાયસન્સ મેળવનાર લોકોની સંખ્યા 67,308 થઈ ગઈ હતી. સરકારે નવા હથિયાર લાયસન્સ આપવાની પ્રક્રિયાઓને બ્રેક લગાવી હોવાનું પણ કહેવાય છે.(પ્રતીકાત્મક તસ્વીર)
