Mysamachar.in-અમદાવાદ
બોલિવુડની જાણીતી “સ્પેશ્યલ 26′ ફિલ્મ લગભગને યાદ હશે, ત્યારે આ સ્ટોરીની મળતી આવતી સ્ટોરી અમદાવાદમાં સામે આવી… જ્યાં શહેરના વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાઈ છે. આ ઘટનામાં ગ્રાહક સુરક્ષાના સ્વાંગમાં આવીને વેપારીઓ પાસેથી ખરીદીના બિલ માંગી રૂપિયા પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વસ્ત્રાપુર પોલીસે આ ટોળકીના 2 સભ્યોની ધરપકડ કરી લીધી છે, જયારે અન્ય ફરાર ચાર આરોપીઓને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
ઝડપાયેલા શખ્સો ઉપરાંતના અન્ય ચાર શખ્સો પોતાની ખોટી ઓળખ આપી વેપારી પાસેથી રૂપિયા પડાવતા હતા. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ત્રણેક ગારમેન્ટની દુકાનમાં ગ્રાહક સુરક્ષામાંથી આવીએ છીએ. તમારી ખરીદીના બિલ બતાવો તેમ કહી વેપારીને દમ મારતા હતા. ઉપરાંત દુકાનના ફોટા પાડી કનડગત કરી રૂપિયા પડાવતા હતા. તેઓ માત્ર વસ્ત્રાપુરમાં જ પરંતુ મણીનગર સહીતના અન્ય વિસ્તારોમાં પણ વેપારીઓને પરેશાન કરતા હોવાનું સામે આવ્યુ છે.
પોલીસને જાણવા મળ્યું કે ગ્રાહક સુરક્ષાના નામે વેપારીઓ સાથે ઠગાઈ આચરવાનું કાવતરું છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હતું. જેના પગલે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એક કપડાના શો રૂમમાં ગ્રાહક સુરક્ષાના નામે 06 શખ્સો ઘુસી ગયા હતા. તેઓ માત્ર ગ્રાહક સુરક્ષાના જ નહીં, પરંતુ પત્રકાર તરીકેની પણ ઓળખ આપીને વેપારીઓ પાસેથી આ ટોળકી રૂપિયા પડાવતી હતી. પરંતુ આ ઘટનામાં પોલીસ સામે આવતાં જ ડુપ્લીકેટ ગ્રાહક સુરક્ષાના કર્મીઓ નાસી છુટ્યા હતા અને 02 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. જોકે પોલીસ સીસીટીવી ના આધારે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.