Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીકનું સલાયા પાણી મુદ્દે બિચારું બની ગયું છે. અહેવાલો એવા છે કે, લોકોને પીવાનું પાણી સલાયાના કેટલાંક વિસ્તારોમાં દસથી ચૌદ દિવસે આપવામાં આવે છે. જો કે, સરકાર પક્ષે જાહેરાત એવી થઈ છે કે – સલાયાના રહેવાસીઓને આઠ-નવ દિવસે પાણી આપવામાં આવે છે. સલાયામાં પાણીનો પ્રશ્ન આ કાળઝાળ ગરમીમાં એવો તીવ્ર બન્યો છે કે, માત્ર ત્રણ દિવસમાં લોકોએ પાણી પ્રશ્ને બબ્બે વખત રેલી યોજવી પડી છે ! બીજી બાજુ તંત્ર કહે છે, વીજપૂરવઠો ઓછો મળે છે અને પાણીની હૈયાત લાઈન નાની છે તેથી આ સમસ્યા જોવા મળે છે.
સલાયાના રહેવાસીઓએ પીવાનાં પાણી મુદ્દે ઉપરાઉપરી બે વખત રેલીઓ યોજ્યા પછી સત્તાવાર જાહેરાત અને સ્પષ્ટતા કરવામાં આવી છે કે, સલાયામાં આઠ-નવ દિવસે પાણી આપવામાં આવે છે. વધુમાં કહેવાયું છે કે, સલાયામાં પાણી પૂરવઠા તથા વિતરણ વ્યવસ્થા આગામી દિવસોમાં સુદ્રઢ બનાવવા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સલાયા પાલિકાનાં ચીફ ઓફિસર કહે છે : સલાયામાં લોકોને આપવામાં આવતાં પાણીની વિતરણ વ્યવસ્થા મજબૂત કરવા, નલ સે જલ યોજના અન્વયે રૂ.5.31 કરોડનાં ખર્ચે 15 લાખ લિટરની ઓવરહેડ ટાંકીનું કામ, 25 લાખ લિટરનો સમ્પ, પંપીંગ સ્ટેશન, પંપ હાઉસ તથા વિતરણ લાઈન વગેરે કામ પ્રગતિ હેઠળ છે.
આ ઉપરાંત એમ કહેવામાં આવ્યું છે કે, સિંહણ ડેમમાંથી પાણી મળે તે માટે અમૃત-2 યોજના હેઠળ ડેમથી માંઢાની ધાર સુધી 4.5 ડાયામીટરની DI પાઈપલાઈન બિછાવવા DPR બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે. આ કામગીરી પૂર્ણ થયે ડેમમાંથી નગરપાલિકાને મળતાં પાણીનાં જથ્થામાં વધારો થશે એમ ચીફ ઓફિસરે જણાવ્યું છે.