Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
જમીનની નીચે રહેલું પાણી એટલે કે ભૂગર્ભજળ, ખેતીમાં-ઉદ્યોગોમાં અને પીવાના પાણીના બિઝનેસમાં મોટાં પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. આ પાણીની કવોલિટી અતિશય ખરાબ બની ચૂકી છે, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના 85 ટકા જિલ્લામાં આ સમસ્યાઓ અતિ સંવેદનશીલ અને ગંભીર બની ચૂકી છે, ખુદ સરકાર દ્વારા આ આંકડા સંસદમાં જાહેર થયા છે.
જામનગર જિલ્લામાં જોડિયા અને કાલાવડ તાલુકામાં ચિંતાઓ છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં પણ સ્થિતિઓ અત્યંત ગંભીર છે. રાજ્યના 33 પૈકી 28 એટલે કે 85 ટકા જિલ્લામાં ભૂગર્ભજળની કવોલિટી ઉપાધિવાળી છે. કારણ કે તેમાં ક્ષાર અથવા ખારાશ પ્રવેશી ચૂકી છે. આ ઉપરાંત 30 જિલ્લા એટલે કે 33 પૈકી 91 ટકા જિલ્લા એવા છે જ્યાં આ પાણીમાં ફલોરાઈડ ઘૂસી ગયું છે. 33 પૈકી 32 એટલે કે 97 ટકા જિલ્લા એવા છે જેના પાણીમાં નાઈટ્રેટ મોટાં પ્રમાણમાં પ્રસરી ગયું છે. ટૂંકમાં, આપણે જમીનમાંથી બોર કે કૂવા વગેરે મારફતે જે પાણી ખેંચીએ છીએ તે પાણી જોખમી છે.
દેશના 6 રાજ્ય એવા છે જેના ભૂગર્ભજળમાં આ ત્રણેય પ્રકારની ચિંતાઓ 75 ટકા કરતાં વધુ પ્રમાણમાં છે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. 4 સાંસદોએ લોકસભામાં પૂછેલાં પ્રશ્નના ઉત્તરમાં જલશક્તિ મંત્રાલયે આ આંકડા આપ્યા. ગુજરાતમાંથી જે નમૂનાઓ લેવામાં આવ્યા તે પૈકી 11 ટકા પાણી નમૂનાઓ બહુ સરસ છે, 43 ટકા નમૂનાઓ સારાં છે, અને 45 ટકા નમૂનાઓ એવા છે જે પાણી સારૂં નથી.
જે વિસ્તારોમાં ક્ષાર અને ખારાશની ઉપાધિઓ અતિશય છે તેમાં અમદાવાદના વિરમગામ, ભાવનગરના શિહોર, જામનગરના જોડિયા અને કાલાવડ તથા દ્વારકા જિલ્લાના ભાણવડ અને કલ્યાણપુર ઉપરાંત જૂનાગઢના માંગરોળ અને અમરેલીના રાજુલા વગેરેનો સમાવેશ થાય છે. આ બધાં જ વિસ્તારોના ભૂગર્ભજળમાં નાઈટ્રેટનું પ્રમાણ અતિશય હોય, ખેતીની જમીનોના ભાવ મેળવવામાં મુશ્કેલીઓ પડી રહી છે. પાણીમાં આ પ્રકારના તત્વોના કારણે દાંતના તથા ફેફસાંના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, ખાસ કરીને નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં આ રોગો વધુ જોવા મળે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરમાં ડેન્ટલ કોલેજ તથા હોસ્પિટલ અને ટીબી હોસ્પિટલ સરકારે ઘણાં વર્ષોથી બનાવેલી છે જ.