Mysamachar.in:જામનગર
સૌરાષ્ટ્રમાં જૂનાગઢની માફક જામનગરમાં પણ અફલાતૂન વરસાદ વરસ્યો છે. કાલે ગુરુવારે રાત્રે એકાદ વાગ્યાથી શરૂ થયેલાં વરસાદે આજે બપોરે બાર વાગ્યા સુધીમાં અંદાજે સાડા નવ – દસ ઈંચ જેટલું પાણી શહેરમાં ઠાલવી દીધું છે. જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ નોંધાયો છે. જામનગર શહેરમાં અવિરત અને ભારે વરસાદ વરસતાં શહેરનાં નીચાણવાળા સંખ્યાબંધ વિસ્તારોમાં જલભરાવ જોવા મળે છે. જામનગર જિલ્લા પંચાયતનાં પંચાયત ભવનમાં પણ ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ડૂબી જતાં, ફરજિયાત રજા જેવો માહોલ જોવા મળે છે.
આ ઉપરાંત જિલ્લા પંચાયત નજીક આવેલી સરકારી વસાહતમાં પણ દર વર્ષની માફક આ વર્ષે પણ પુષ્કળ જલભરાવ જોવા મળે છે. આ ઉપરાંત શહેરના વોર્ડ નં.2 તથા વોર્ડ નં.4 નાં ઘણાં વિસ્તારોમાં, ખાસ કરીને વરસાદી પાણીનાં નિકાલના માર્ગ આસપાસ આવેલાં રહેણાંક મકાનો સહિતનાં બાંધકામોમાં પાણી ભરાઈ ગયા હોવાનું આજે બપોરે એકાદ વાગ્યે જાણવા મળ્યું છે. આ પ્રકારના ઘણાં વીડિયોઝ જામનગર ઉપરાંત રાજ્યભરમાં વાયરલ થયાં છે.






