Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
અગાઉની માફક આ વર્ષે પણ હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ડેમોમાં પાણીની સ્થિતિ ચિંતાપ્રેરક છે, સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું પાણી દ્વારકા જિલ્લાના જળાશયોમાં છે, જે ગંભીર અને ચિંતાનો મામલો છે. હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કુલ 148 ડેમ આવેલાં છે, જે પૈકી નાનામોટા કુલ 18 ડેમ સંપૂર્ણ ખાલી છે, જાણે કે રમવાના મેદાન બની ગયા. તંત્ર ચોમાસામાં પાણીનો પૂરતો સંગ્રહ કરી શક્યા નહીં. વરસાદનું પાણી દરિયામાં વહી ગયું. 32 ડેમમાં માત્ર 10 ટકા પાણી રહ્યું છે. અન્ય 24 ડેમમાં 20 ટકા પાણીનો સંગ્રહ થયેલો છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 34.25 ટકા પાણી જૂનાગઢના જળાશયોમાં હાલ છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયોમાં સૌથી ઓછું માત્ર 4.13 ટકા પાણી હાલ રહ્યું છે. જામનગર જિલ્લાના જળાશયોમાં હાલ 19.59 ટકા પાણી રહ્યું છે. હવામાન વિભાગે આગામી ચોમાસુ સમયસરનું અને સામાન્ય રહેવાની આગાહી કરી છે પરંતુ ચોમાસા પહેલાંના બે મહિના મે અને જૂન સૌરાષ્ટ્ર માટે આકરાં સાબિત થવા સંભવ છે.
સૌરાષ્ટ્રના કુલ 148 ડેમમાં હાલ માત્ર 26 ટકા પાણી છે. ઉનાળાની શરૂઆતમાં જ પાણીનું ચિત્ર બિહામણું ઉપસી રહ્યું છે. ઘણાં વિસ્તારોમાં પાણીની અત્યારથી બૂમ ઉઠી છે. દ્વારકાના 5 અને જામનગરનો 1 ડેમ ખાલી છે. જામનગરના 3 ડેમ એવા છે જેમાં માત્ર 10 થી 20 ટકા પાણી છે. દ્વારકાના 1 જ ડેમમાં નહિવત્ પાણી છે.
સરકારી તંત્રો અને આગેવાનો ચૂંટણીઓમાં વ્યસ્ત છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની હાડમારી છે. કાગળો પર તંત્ર સબ સલામત ના દાવાઓ કરી રહ્યું છે અને ડેમો તળિયાઝાટક છે, સૌની યોજના ક્યાં છે ?! ઘણાં ગ્રામ્ય અને કેટલાંક શહેરી વિસ્તારોમાં પાણીના ટેન્કર દોડી રહ્યા છે. ઘણાં શહેરોમાં દૂરના વિસ્તારોના લોકો પાણી વેચાતુ લેવા મજબૂર છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છને પાણી પૂરૂં પાડતાં સરદાર સરોવર ડેમમાં પણ પાણીનું સ્તર સતત ઘટી રહ્યું છે. આખું સૌરાષ્ટ્ર સૌની યોજનાના ભરોસે.