Mysamachar.in:અમદાવાદ:
ઘનકચરાના નિકાલમાં તથા ઝેરી પ્રવાહી કચરા(ઉદ્યોગોમાંથી નીકળતાં)ના નિકાલમાં જે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ, તે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી ન હોય, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાત તથા ઓડિશા રાજ્યની સરકારોની ખામીઓ ઉજાગર કરી છે અને જણાવ્યું છે કે, દંડ તથા સૂચનાઓ પછી પણ સ્થિતિઓમાં સુધારો જોવા મળેલ નથી.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધિકારીઓ દેશભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રવાસે છે. અગાઉ NGT દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કચરા નિકાલ સંબંધે કડક સૂચનાઓ પણ આપવામાં આવી હતી અને નિયમોનું પાલન ન કરવા બદલ ભારે દંડ પણ કરવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત્ વર્ષે NGT એ આ બાબતે ગુજરાતને રૂ. 2,100 કરોડનો દંડ કર્યો હતો.
ત્યારબાદ ગુજરાત અને ઓડિશાની સરકારે, NGTના આ પ્રવાસે નીકળેલાં અધિકારીઓ સમક્ષ પોતે શું પગલાંઓ લીધાં, તે અંગેનો પ્રગતિ અહેવાલ એટલે કે રિપોર્ટ દાખલ કર્યો. અધિકારીઓએ આ રિપોર્ટનું એનાલિસિસ કર્યું. અને, બાદમાં જણાવ્યું કે, કચરા નિકાલની આ બંને રાજ્યોની કામગીરીઓમાં ખામીઓ છે.
NGTની ખંડપીઠમાં અધ્યક્ષ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ, જસ્ટિસ સુધીરકુમાર અગ્રવાલ અને તજજ્ઞ એ. સેંથિલ વેલનો સમાવેશ થાય છે. આ ખંડપીઠ દ્વારા ઉપરોકત જાહેરાત કરવામાં આવી છે. ખંડપીઠે કહ્યું કે, કચરા નિકાલ માટેના નિયમોના પાલન અંગે તથા રાજ્યમાં STP પ્લાન્ટ નિર્માણ અંગે આ બે રાજ્યોએ શું પગલાંઓ લીધાં છે, તે અંગે રિપોર્ટ આપ્યા.
આ ખંડપીઠ કહે છે: ગુજરાતનો પ્રગતિ અહેવાલ જણાવે છે કે, પાછલાં એક વર્ષ દરમિયાન કચરા નિકાલ સંબંધિત કામગીરીઓનું સ્તર હજુ લગભગ અગાઉ જેવું જ છે. (સુધારાઓ થયા નથી). તેનું કારણ એ છે કે, કચરા નિકાલ માટે જે પ્રોસેસ કરવાની હોય છે, તે પ્રોસેસ સરકાર દ્વારા હજુ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. આથી સ્થિતિઓ એ છે કે, ગુજરાતમાં દૈનિક કુલ 10,317 મેટ્રિક ટન કચરો ઉત્પન્ન થઈ રહ્યો છે, જે પૈકી માત્ર 1,445 મેટ્રિક ટન કચરો પ્રોસેસ કરવાની વ્યવસ્થાઓ ઉપલબ્ધ થઈ શકી છે.