Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની માફક જ, જામનગરની પ્રદૂષણ નિયંત્રણ કચેરી પણ વારતાઓ કરવામાં માહિર છે…ખાનગી અને સરકારી કાર્યક્રમોમાં મીઠડી વાતો કરે પરંતુ એ બધી જ વાતો હવામાં ગોળીબાર, વાતોના અમલમાં મીંડુ એવો ઘાટ છે. તાજેતરમાં જામનગરની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીના વડાએ એક કાર્યક્રમમાં એવી શેખી હાંકી કે, આ કચેરી પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો વિરુદ્ધ પગલાંઓ લ્યે છે, કાર્યવાહીઓ કરે છે. પોતે કામ કરે છે એવી વાતો કરતી આ કચેરી પોતાની કામગીરીઓ જાહેર શા માટે નથી કરતી ?! કાર્યવાહીઓ જાહેર કરવામાં લાજ કોની કાઢવાની હોય ?! એ પ્રશ્ન રહસ્યમય જણાય રહ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરમાં બ્રાસ ઉદ્યોગ દ્વારા જમીન અને પાણીમાં ફેલાવવામાં આવતું ઝેરી અને જોખમી પ્રદૂષણ ગંભીર ચિંતાઓનો વિષય હોવા છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હાથ બાંધી બેઠું હોય એવી સ્થિતિઓ છે. ઉદ્યોગો નદી અને તળાવ જેવા મહત્ત્વના અને માણસના આરોગ્ય સાથે સીધા સંકળાયેલા જળસ્ત્રોતમાં ‘ઝેર’ ઠાલવે છે- આ હકીકત જાણતા હોવા છતાં, અનેક રજૂઆત પછી પણ, પ્રદૂષણ કંટ્રોલ કરતી કચેરી આ ઉદ્યોગો વિરુદ્ધ એકશન લેતી નથી, એકશનની વિગતો બહાર આવતી નથી. કેમ ?!

તાજેતરમાં વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલી જામનગરની એક સંસ્થામાં વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ અને ઉદ્યોગકારો તથા GPCBના મુખ્ય અધિકારીની એક બેઠક યોજાઈ ગઈ. જેમાં અધિકારીએ દબાતાં અવાજે કહ્યું: પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો વિરુદ્ધ પગલાંઓ લેવામાં આવે છે. અત્રે નોંધનીય બાબત એ છે કે, આવા ઉદ્યોગો વિરુદ્ધ શું પગલાંઓ લેવામાં આવ્યા ? તે અંગેની વિગતો આ કચેરી લોકોના ધ્યાન પર મૂકતી નથી.
આ કચેરી પ્રદૂષણ નિયંત્રણ મામલે જામનગર મહાનગરપાલિકા વિરુદ્ધ પણ કોઈ એકશન લેતી નથી, અથવા આ કાર્યવાહીઓ લોકજાણમાં મૂકતી નથી. રોડ પર લોકોએ ફેંકેલા પ્લાસ્ટિક એકત્ર કરવાની, નો પ્લાસ્ટિક ઝુંબેશ અને ઝીરો વેસ્ટ ઝુંબેશ જેવા કાર્યક્રમમાં વ્યસ્ત રહેતી અથવા વ્યસ્ત હોવાનો પ્રચાર કરતી અને આવા કાર્યક્રમોના આયોજનો માટે મિટિંગમાં વ્યસ્ત હોવાની વાતો કરતી આ કચેરીને, નક્કર કામગીરીઓ કરવામાં ચૂક શું ઉપડે છે ? અને, કામગીરીઓના દાવાઓ કરતી આ કચેરી કથિત કામગીરીઓની વિગતો બહાર શા માટે નથી પાડતી ?! એ પ્રકારના સ્વાભાવિક પ્રશ્નો આ કચેરીને પિછાણતા જાણકારોમાં ઉઠી રહ્યા છે.
