Mysamachar.in-બનાસકાંઠાઃ
શિયાળો આવતાં જ લોકોએ ગરમ પાણીથી સ્નાન કરવાનું શરૂ કરી દીધું છે. અગાઉ ચૂલા પર પાણી ગરમ કરવાની વ્યવસ્થા હતી, પરંતુ ટેક્નોલોજીને વશ થઇને લોકો ઘરમાં જીવનું જોખમ ખેડી રહ્યાં છે. બાથરૂમમાં ગરમ પાણી માટે લગાવવામાં આવેલા ગીઝર કેટલી મુશ્કેલી નોતરી શકે તેનું ઉદાહરણ આપતી ઘટના પાલનપુરમાં બની છે. અહીં ખાનગી પેઢી ફાયનાન્સમાં નોકરી કરતા મુકેશ નાયક સોમવારે સવારમાં તેમના ઘરના બાથરૂમમાં સ્નાન કરતી વખતે ગીઝરના ગેસના ગૂંગળામણ લીધે 20 મિનિટ સુધી બેભાન થઇ ગયો હતો. મોડા સુધી બાથરૂમમાંથી બહાર ન આવતા પત્નીએ બાથરૂમનું દરવાજો તોડી તપાસ કરી તો મુકેશ બેહોશ હાલતમાં પડ્યો હતો, અંતે પત્નીએ તાત્કાલીક હૉસ્પિટલ ખસેડ્યો હતો. સમયસર સારવાર મળી જતા મુકેશનો જીવ તો બચી ગયો પરંતુ અન્ય લોકો માટે આ લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે.
ગીઝર વાપરતા લોકોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું
નિષ્ણાતોએ ગીઝરના ઉગયોગ અંગે કેટલાક જરૂરી સૂચનો આપ્યા છે, જેમાં ગેસ ગીઝર બાથરૂમની અંદર નહીં પણ બહારની સાઈડ ફિટિંગ કરાવવું જોઈએ. બાથરૂમમાં ગેસ ગીઝર ચાલુ કરતી વખતે કાર્બન ડાયોક્સાઇડ અને મોનો ડાયોક્સાઇડ નામના ઝેરી તત્વથી બંધ બાથરૂમમાં શ્વાસ લેવાની મુશ્કેલી પડે છે અને ઘણી વખતે વ્યક્તિ બેભાન અવસ્થામાં જીવ પણ ગુમાવાનો વારો આવે છે. ખાસ કરીને શ્વાસની તકલીફવાળા લોકોએ ગીઝરથી બને એટલું દૂર જ રહેવું. ગીઝરમાં ગેસ હોવાને કારણે આગ લાગવાની શક્યતાઓ વધુ હોય છે. એવામાં બાથરૂમ જેવી ગીચ જગ્યાએ કોઇ દૂર્ઘટના ઘટે તો ભાગવાનો સમય ઓછો મળે છે એવામાં દાજી જવાનું જોખમ વધુ છે.