Mysamachar.in-કચ્છ:
કચ્છ જિલ્લામાં બે દિવસ પહેલા યોજાયેલા લગ્ન પ્રસંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિ હાથમાં બંદુક લઈને હવામાં ધડાકા કરી રહ્યો છે. બુલેટ પર આવેલા એક વ્યક્તિએ હવામાં ધડાધડ છ રાઉન્ડ ફાયર કર્યા છે. જ્યારે બીજા એક વીડિયોમાં યુવકે એક રાઉન્ડ ફાયર કર્યું હતું. લગ્ન પ્રસંગે આ રીતે ફાયરિંગના વીડિયો સામે આવતા કાયદો-વ્યવસ્થા સામે પણ મોટા પ્રશ્નો ઊભા થયા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો કચ્છના ભચાઉ તાલુકાના સીતારામપુર ગામનો છે. જ્યાં એક લગ્ન પ્રસંગનું આયોજન કરાયું હતું. જેમાં આ ઘટના બની હતી. આ લગ્ન પ્રસંગમાં કેટલાક શખ્સોએ બુલેટ પર એન્ટ્રી કરી હતી. એક વ્યક્તિ પાસે પિસ્તોલ હોવાથી માત્ર ત્રણ સેકન્ડમાં છ રાઉન્ડ ફાયર કર્યા હતા. બીજા એક વીડિયોમાં એક યુવક હવામાં એક રાઉન્ડ ફાયર કરી રહ્યો છે. કોરોનાની ગાઈડલાઈન્સનું પણ અહીં પાલન થયું નથી. વીડિયોમાં જોવા મળતા મોટાભાગના લોકોએ કોઈ પ્રકારનું માસ્ક પહેર્યું નથી. જોવાનું એ રહે છે કે, પોલીસ આ મામલે કોની સામે કેવા પગલાં ભરે છે. આ અંગે ભચાઉના ડીવાયએસપી તરફથી પગલાં ભરવામાં આવ્યા છે. આ વ્યક્તિની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે પોલીસ તરફથી કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી શકે એમ છે.