Mysamachar.in-રાજકોટ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં થોડા થોડા સમયે કેટલાંક વીડિયોઝ વાયરલ થતાં હોય છે જેમાં એમ દેખાડવામાં આવતું હોય છે કે, ફલાણી હોટેલ અથવા ફલાણા રેસ્ટોરન્ટમાં ખાણીપીણીની ચીજોમાં જિવાત સહિતની અયોગ્ય ચીજો જોવા મળી રહી છે. જો કે આ પ્રકારના વીડિયોઝ પૈકી કેટલાંક વીડિયોઝ શંકાસ્પદ પણ હોય છે પરંતુ આવા વીડિયોઝને કારણે જેતે શહેરમાં સ્થાનિક સ્તરે જબરો ઉહાપોહ મચી જતો હોય છે.
આપણે ત્યાં હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં ઘણાં પ્રકારની અનિયમિતતાઓ પણ ચાલતી હોય છે, ખાસ કરીને સ્વચ્છતા સહિતની કેટલીક બાબતોમાં આંખ આડા કાન પણ થતાં હોય છે. પરંતુ કેટલાંક કિસ્સાઓમાં હોટેલ રેસ્ટોરન્ટ ઉદ્યોગના ચોક્કસ એકમને નિશાન પણ બનાવવામાં આવતાં હોવાની શંકાઓ અવારનવાર બહાર આવતી હોય છે. આવો જ વધુ એક કિસ્સો બહાર આવ્યો છે.

આ મામલો રાજકોટનો છે. જ્યાં સાધુ વાસવાણી રોડ પર મોમિનોઝ નામધારી એક રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટમાં 3 શખ્સોએ ધમાચકડી મચાવી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. આ સાથે જ એવો વીડિયો પણ વાયરલ થયો છે કે, આ 3 શખ્સો આ જ રેસ્ટોરન્ટમાં ખાવાની ચીજમાં પોતાના માથાંના વાળ ભેળવી રહ્યા છે ! આ બંને CCTV ફૂટેજને કારણે ચકચાર મચી છે. વાયરલ વીડિયોમાં આ ઘટના બાદની આ શખ્સોની દાદાગીરી પણ કેદ થઈ છે.
હોટેલ રેસ્ટોરન્ટ ઉદ્યોગની અનિયમિતતાઓ બહાર આવે તે જરૂરી હોય છે પરંતુ આ રીતે કોઈ ધંધાર્થીને બદનામ કરવાનું કાવતરૂં ઘડાય અને અમલમાં પણ મૂકાઈ જાય- એ કોઈ પણ અર્થમાં ઈચ્છનીય ન લેખાય. આવા ઉપદ્રવી તત્ત્વો વિરુદ્ધ આકરી કાર્યવાહીઓ થવી જોઈએ એવો તટસ્થ લોકમત છે. રાજકોટના આ બંને વાયરલ ફૂટેજને કારણે આ મામલો હાલ ચર્ચાઓમાં છે.