Mysamachar.in-જામનગર:
એક તરફ જામનગર સહિતના શહેરોમાં પાણીને કારણે થતો રોગચાળો નોંધપાત્ર પ્રમાણમાં માથું ઉંચકી રહેલો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ખાનગી ધંધાર્થીઓ દ્વારા જગ અને બોટલો મારફતે RO વોટર ઘરેઘરે અને દુકાનો તથા ઓફિસોને મોટાં પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે, જેનું કયારેય ચેકિંગ થતું નથી.
કેન્દ્ર સરકારની એજન્સી FSSAI નો સ્પષ્ટ નિયમ છે કે, પાણીના આ પ્રકારના જગ-બોટલ સીલબંધ જ હોવા જોઈએ અને તેના પર ઉત્પાદન-વેચાણ સંબંધી લેબલ પણ ફરજિયાત છે. આમ છતાં જામનગર સહિત એક પણ મહાનગરમાં કોર્પોરેશન સત્તાવાળાઓ આ જગ-બોટલ ચેક કરતાં નથી ! આ જગ-બોટલમાં રહેલું પાણી પીવાલાયક છે ? તેની ગુણવત્તા યોગ્ય છે ? વગેરે બાબતોની કોઈ જ ચકાસણીઓ થતી નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, જગ-બોટલનું આ પાણી દૈનિક ધોરણે લાખો રૂપિયાનું વેચાણ થઈ રહ્યું છે. લાખો લોકો આ પાણી પીવાના ઉપયોગમાં લઈ રહ્યા છે. આ સ્થિતિઓ છતાં, આ જગ-બોટલના RO પાણીની ચકાસણીઓ શા માટે નહીં ? ઘણાં લોકો તો એમ પણ કહે છે, કેટલાંક કેસમાં આ RO પાણી નથી હોતું. ઘણાં એમ કહે છે: આવા કેટલાંક RO પ્લાન્ટ સાવ ચીલાચાલુ હોય છે. ઘણાં કિસ્સાઓમાં જગ-બોટલની સફાઈ યોગ્ય રીતે થયેલી હોતી નથી.
બીજી તરફ હાલમાં ચોમાસાની સિઝનને કારણે, નવા પાણીના પરિણામે મોટી સંખ્યામાં પાણીજન્ય રોગચાળો પણ જોવા મળી રહ્યો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાય રહ્યા છે. વિવિધ પ્રકારના તાવ વગેરેના કેસો નોંધાઈ રહ્યા છે.(symbolic image)