Mysamachar.in-જામનગર :
જામનગર જિલ્લામાં આવેલી વિવિધ ગ્રામ પંચાયતો વિકાસની દૌડમાં હાલ કયાં છે? તે જાણવા માટે એક ઈન્ડેક્સ તૈયાર કરવામાં આવશે. આ કન્સેપ્ટ સમગ્ર રાજયમાં અમલી બનવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર તથા નીતિ આયોગ ગ્રામ્ય વિસ્તારોના ઝડપી વિકાસ માટે સૌ પ્રથમ તો ગોલ એટલે કે ટાર્ગેટ નકકી કરશે અને પછી આ ધ્યેય પ્રાપ્ત કરવામાં કઈ પંચાયત કેટલી પાછળ રહી ગઈ છે ? તે પ્રશ્નનો જવાબ પંચાયત વિકાસ ઈન્ડેક્સ મારફતે મેળવવામાં આવશે. કોઈ પણ ગામનો સાતત્યપૂર્ણ વિકાસ થઈ રહ્યો છે કે કેમ, ચોક્કસ ગામ વિકાસની દૌડમાં કયાં છે-એ જાણવા માટે આ એસેસમેન્ટ પ્રોસેસ હાથ ધરવામાં આવશે. જેને પંચાયત વિકાસ ઈન્ડેક્સ (PDI) આપવામાં આવશે. રાજય સરકાર આ માટેની તૈયારીઓ શરૂ કરી ચૂકી છે.
આ તૈયારીઓ સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું: જુદી જુદી 9 થીમના આધારે 597 ઈન્ડિકેટરનો સમાવેશ કરીને આ ઈન્ડેક્સ તૈયાર કરવામાં આવશે, જેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે, સરકારની યોજનાઓનો અમલ કેવી રીતે થઈ રહ્યો છે અને આ યોજનાઓનો વ્યાપ કેટલો વિસ્તારી શકાયો છે.સોર્સ જણાવે છે કે, રાજયના મુખ્ય સચિવ કક્ષાએ, અધિક મુખ્ય સચિવના વડપણ હેઠળની સ્ટીયરિંગ કમિટી કક્ષાએ તથા જિલ્લાકક્ષાએ કલેક્ટરના અધ્યક્ષસ્થાને આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક એક પંચાયતનો વિકાસ ઈન્ડેક્સ તૈયાર થશે. હાલમાં દરેક કક્ષાએ આ માટે ડેટા એન્ટ્રી થઈ રહી છે. અને નજીકના સમયમાં આ ઈન્ડેક્સ તૈયાર થઈ જશે.
ઘન અને પ્રવાહી કચરાનો નિકાલ, રોડ કનેકટિવિટી, ડિજિટલ સેવાઓન ઉપલબ્ધિ, વાડી અને ખેતરોની માપણી સહિતનો સંપૂર્ણ ડેટા ધ્યાન પર લેવામાં આવશે. આ બધાં ઈન્ડિકેટરનો સમાવેશ કરીને આ ઈન્ડેક્સ તૈયાર કરવામાં આવશે. ગત્ મે માસમાં સરકારે યોજેલી ચિંતનશિબિર વખતે આ બધી બાબતો અને પંચાયત સ્તરે સરકારની આવકો વધારવા અંગે ઘણી ચર્ચાઓ થયેલી. ગ્રામજનો સરળતાથી વેરાઓ કેવી રીતે ચૂકવી શકે, તે માટે પણ તૈયારીઓ કરવામાં આવી છે.
ગામડાંઓમાં પહોંચશે કવોલિટી
રાજયના 10,000 સરપંચોને ગુણવત્તા અંગે પાયાની સમજ આપવામાં આવશે. ગુણવત્તાસભર વહીવટ અને ગ્રામ્ય વિકાસમાં કવોલિટી કંટ્રોલ અંગે તેઓને જ્ઞાન આપવામાં આવશે. કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ દેશભરના સરપંચો સાથે વાતચીત સેતુ બનાવવા સંવાદ એપ પણ લોન્ચ કરી છે. આ કાઉન્સિલ દ્વારા હાલમાં અમદાવાદ ખાતે પોતાની ઓફિસ પણ શરૂ કરવામાં આવી છે. શિક્ષણમાં પણ કવોલિટી વધારવામાં આવશે. આગામી સમયમાં સમગ્ર રાજયમાં શિક્ષણ ઉપરાંત ઉદ્યોગ, આરોગ્ય અને પર્યાવરણ સહિતના ક્ષેત્રોમાં કવોલિટીને મહત્વ આપવું જરૂરી બનશે.