Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ ગુજરાતની એક દિવસની મુલાકાતે પધાર્યા છે. તેઓ દ્વારકા ખાતે પવિત્ર શ્રાવણ માસમાં દ્વાદશ જ્યોતિર્લીંગ પૈકી શ્રી નાગેશ્વર જ્યોતિર્લીંગના દર્શનાર્થે પધાર્યા હતા. અહીં તેઓનું પારંપરિક વેશભૂષામાં ઉપસ્થિત સ્થાનિક લોક-કલાકારો દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું.દ્વારકાથી 14 કિ.મી. દૂર બિરાજમાન જ્યોતિર્લીંગ નાગેશ્વર મહાદેવના મંદિર ખાતે શનિવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ધર્મપત્ની ઉષાબહેન સાથે પવિત્ર શ્રાવણ માસમાં વિશેષ પૂજન-અર્ચન અને પ્રાર્થના કરી હતી. આ વેળાએ હર્ષવર્ધન અને રાધાબહેન, રવિ તેજા અને નિહારિકા સહિતના પરિવારજનોએ નાગેશ્વર મહાદેવની આરતી કરીને સમગ્ર પરિવારે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.આ વેળાએ ઉપરાષ્ટ્રપતિએ મંદિર પરિસરની મુલાકાત લઇ, મંદિરના મહાત્મ્ય અંગે જાણકારી મેળવી હતી. આ તકે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, જિલ્લા કલેકટર એમ.એ.પંડ્યા, જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.