Mysamachar.in-અમદાવાદઃ
વર્ષ 2019 હવે પૂર્ણ થવાને આરે છે, જો કે ધરતીપુત્રોને આ વર્ષ ખૂબ યાદ રહેશે કારણ કે સારા વરસાદથી ખેતરમાં જ કાઇ મોલ પાક્યો હતો તે માવઠાના વરસાદથી ધોવાઇ ગયો, ખેડૂતોના મોઢા પર થોડા સમય માટે આવેલી ખુશી છીનવાઇ ગઇ છે. ગુજરાતને ધમરોળી રહેલા માવઠા રૂપી વરસાદને ખેડૂતોની હાલત દયનીય કરી દીધી છે. ખેતીને નુકશાની થવાની સીધી અસર બજાર પર વર્તાઇ રહી છે. જેમાં ખાસ કરીને શાકભાજીના ભાવ ધીમે ધીમે આસમાને પહોંચી રહ્યાં છે. કમોસમી વરસાદથી મગફળી, કપાસ, બાજરી જેવા પાકને તો નુકસાન થયું જ છે, પરંતુ સાથે સાથે શાકભાજીમાં ટમેટા, ડુંગળી અને બટેકાના પાકને વ્યાપક અસર પહોંચી છે.
સામાન્ય રીતે ચોમાસુ પૂર્ણ થયાને એક મહિના ઉપર સમય થયો, પરંતુ વરસાદ વિદાય લેવાનું નામ નથી લેતો, અવાર નવાર અતિભારે વરસાદથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. ચોમાસુ પાક હજુ ખેતરમાં જ છે, આથી શિયાળુ પાકની વાવણી કેવી રીતે કરવી તે અંગે ખેડૂતો અવઢવમાં છે. ખાસ કરીને શાકભાજીનુ વાવેતર પહેલા તેનુ ધરૂ તૈયાર થતું હોય છે. કમોસમી વરસાદને કારણે ફુગ અને કોહવાટ લાગતા ધરૂ બગડી ગયું છે. ખેતીની નવી પદ્ધતિ પ્રમાણે ખેડૂતો શાકભાજીના તૈયાર છોડ લાવીને વાવતા હોય છે ત્યારે વધારે વરસાદથી આ ધુરૂ અને ખેડુતોએ વાવેલ શાકભાજીના નવા છોડ નષ્ટ પામ્યા છે. એવામાં શિયાળુ શાકભાજી પંદરથી વીસ દિવસ મોડું આવશે અને જેમ જેમ સમય વધુ લાગશે તેમ તેમ તેની કિંમત આસમાને પહોંચશે તે સ્વાભાવિક છે.