Mysamachar.in-જામનગર:
લોકસભા ચૂંટણીઓનો માહોલ ધીમે ધીમે વધુ ઘાટો બની રહ્યો છે. એક પછી એક વિવિધ સમાજના અગ્રણીઓ બેઠક કરી રહ્યા છે. આ બેઠકોમાં જામનગર લોકસભાના ભાજપાના સતત ત્રીજી વખતના ઉમેદવાર-સાંસદ પૂનમબેન માડમને જાહેરમાં સમર્થન આપવામાં આવી રહ્યું છે અને સો ટકા મતદાનની ખાતરી આપવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં મહેર અને સતવારા સમાજના અગ્રણીઓની બેઠક પૂનમબેન માડમ સાથે યોજાયા બાદ, જામનગરમાં પણ સમગ્ર હાલારના રઘુવંશી અગ્રણીઓએ પૂનમબેન માડમને જંગી બહુમતીથી ફરી જિતાડવા કોલ આપ્યો છે.
જામનગરના ઓશવાળ સેન્ટર ખાતે તાજેતરમાં રઘુવંશી સમાજનું જબ્બર સ્નેહમિલન આયોજિત કરવામાં આવ્યું હતું. આ સમારોહ હાલાર રઘુવંશી મિત્ર મંડળના નેજા હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં હાલાર પંથકની લોહાણા સમાજની સંસ્થાઓના હોદ્દેદારો, ચૂંટાયેલા પદાધિકારીઓ અને જ્ઞાતિના અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિ રહી હતી. આ સંમેલન ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં આયોજિત કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના અધ્યક્ષસ્થાને આયોજિત આ સ્નેહમિલન સમારોહમાં હાલારના લોહાણા મહાજન પ્રમુખ જિતુભાઈ લાલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
આ સમારોહમાં પરિમલભાઈ નથવાણીએ રઘુવંશી સમાજને લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાનની અપીલ કરી. તેઓએ વધુમાં જણાવ્યું કે, ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે. અને દરેક મતદાતાએ પોતાના અધિકારનો અચૂક ઉપયોગ કરી, રાષ્ટ્રહિતમાં યોગદાન આપવું જોઈએ. વડાપ્રધાને સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે. હાલાર પંથકમાં સાતમી મે ના દિવસે લોકસભા ચૂંટણીના મતદાનના દિવસે અચૂક મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની આ ફરજ બજાવે તેવો અનુરોધ કર્યો હતો.
આ સ્નેહમિલન સમારોહમાં લોહાણા સમાજના પ્રમુખ જિતુભાઈ લાલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, આપણાં ઈષ્ટદેવ રામલલ્લાની અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા દરેક રઘુવંશી માટે ગૌરવરૂપ છે. આ સમયે આપણે સૌ સનાતની ધર્મીઓની ફરજ બને છે કે, રાષ્ટ્રના હિત માટે અને વિકાસમાં મતદાન કરી આપણે સૌ યોગદાન આપીએ. તેમણે એમ પણ કહ્યું કે, બપોર પહેલાં આપણે સૌ સો ટકા મતદાન કરીએ.
આ સમારોહમાં સ્વાગત પ્રવચન બારાડી લોહાણા મહાજન પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરાએ કર્યું હતું. તેઓએ પણ લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદાનનો સૌને અનુરોધ કર્યો. આ સ્નેહમિલન સમારોહમાં રાજ્યસભાના સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણી, લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ, બારાડી લોહાણા સમાજના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરા, જામનગર લોહાણા મહાજન વડીલ સમિતિના સભ્ય તથા ધારાશાસ્ત્રી નટુભાઈ બદીયાણી, સમસ્ત હાલાર લોહાણા સમાજના ઉપપ્રમુખ અરવિંદભાઈ પાબારી, તુલશીભાઈ ભાયાણી, મૌલિક નથવાણી, મહામંત્રી રમેશભાઈ દત્તાણી, ખજાનચી નિર્મળભાઈ સામાણી, મંત્રી ભાવિન અનડકટ, સંગઠન મંત્રી ગીરીશભાઈ ગણાત્રા, ઓડિટર બાબુભાઇ બદીયાણી, ગોવા શિપ યાર્ડના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, નેશનલ શિપિંગ બોર્ડના સભ્ય રાહુલભાઈ મોદી, ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, ખંભાળિયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન વકીલ મનોજ અનડકટ, મહાનગરપાલિકાના કોર્પોરેટર પન્નાબેન કટારીયા, કુસુમબેન ચોટાઈ, ભાજપ પૂર્વ ઉપાધ્યક્ષ આશિષ કંટારીયા ઉપરાંત હાલાર પંથકના લોહાણા મહાજનનો યુવક મંડળો, કર્મચારી મંડળો, તથા મીડિયા ક્ષેત્રમાં રહેલાં જ્ઞાતિના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.