Mysamachar.in:જામનગર:
જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં રખડતાં કૂતરાંઓનો ભયાનક ત્રાસ છે, સમગ્ર હાલારમાં આ પ્રકારના બનાવો બનતાં રહે છે, નાના બાળકો અને મહિલાઓથી માંડીને વૃદ્ધ સુધીના લોકોને કૂતરાંઓ ભયાનક રીતે કરડી લ્યે છે. મોતના કિસ્સાઓ પણ બહાર આવ્યા છે, સેંકડો લોકોએ આ દર્દ અને વેદનાઓ સહન કરવી પડી રહી છે. બીજી તરફ આશરે એકાદ મહિનાથી જામનગર મહાનગરપાલિકા હસ્તકની શ્વાનોના રસીકરણ અને ખસીકરણની કામગીરીઓને તાળાં લાગી ગયા છે.
જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઝાલાએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું છે કે, હાલમાં શ્વાનોના રસીકરણ અને ખસીકરણની કામગીરીઓ બંધ છે. જે એજન્સી આ કામ કરવા ઈચ્છા ધરાવે છે તેની રજિસ્ટ્રેશન અને મંજૂરી સહિતની પ્રક્રિયાઓ એનિમલ બોર્ડ હસ્તક ચાલી રહી છે, તમામ ફોર્માલિટીઝ પૂર્ણ થયે પાર્ટી કામગીરીઓ શરૂ કરી શકશે, હાલમાં આ મામલો અન્ડર પ્રોસેસ છે.

બીજી તરફ અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, થોડાં સમય અગાઉ જે પાર્ટીને આ કામગીરીઓ સોંપવામાં આવેલી તે પાર્ટીનો કોન્ટ્રાક્ટ હાલ પૂર્ણ થયો છે. હવે નવી એજન્સી આ કામગીરીઓ સંભાળશે. આ નવી એજન્સી જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ આ કામગીરીઓ કરી રહી છે. પરંતુ જામનગરમાં કામ કરવા માટે હજુ સુધી આ એજન્સીને મંજૂરી મળી નથી. આ મંજૂરી દિલ્હી ખાતે કાર્યરત એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયા હસ્તક હોય છે. બોર્ડ દ્વારા હજુ આ એજન્સીને મંજૂરી આપવામાં આવી નથી.
સૂત્ર જણાવે છે, અગાઉ આ કામગીરીઓ વડોદરાની એજન્સી કરતી. જો કે તેની પાસેથી સારી રીતે કામ લેવાયું ન હતું, એમ પણ જાણવા મળે છે. આ પ્રકારની એજન્સીઓ નાણાંના બદલામાં કામગીરીઓ કરતી હોય છે, તેથી હવે પછી જે એજન્સીને કામગીરીઓ સોંપવામાં આવે તેની પાસેથી યોગ્ય રીતે કામ લેવામાં મહાનગરપાલિકાએ વિશેષ કાળજી દાખવવી આવશ્યક લેખાય.
સૂત્ર એમ પણ જણાવે છે કે, શહેરના રણજિતસાગર નજીક મહાનગરપાલિકા હસ્તકના ઓપરેશન થિયેટરમાં રસીકરણ અને ખસીકરણ કામગીરીઓ દરમિયાન કૂતરાંઓને યોગ્ય રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવતી ન હતી, ઘણાં કૂતરાં રક્તસ્ત્રાવની પીડા ભોગવતાં હતાં. કેટલાંક કૂતરાંના આ કામગીરીઓ દરમિયાન મોત પણ થતાં હતાં. ઓપરેશન થિયેટર હોવું જોઈએ એટલાં પ્રમાણમાં સજ્જ ન હોવાનું પણ જાણવા મળે છે.

અત્રે અપેક્ષિત એ છે કે, રસીકરણ અને ખસીકરણની કામગીરીઓ બેસ્ટ રીતે થાય. કૂતરાંઓને બિનજરૂરી પીડા ન ભોગવવી પડે. ડોક્ટર સહિતનો તબીબી સ્ટાફ યોગ્ય પ્રકારનો રાખવામાં આવે. ઓપરેશન બાદ કૂતરાંઓને યોગ્ય અને તાકીદની સારવાર આપવામાં આવે. શહેરમાંથી રખડતાં કૂતરાં મહત્તમ સંખ્યામાં પકડવામાં આવે, વધુમાં વધુ સંખ્યામાં ઓપરેશન થાય, નગરજનોને તાકીદે રખડતાં કૂતરાંઓની ભયાનક સમસ્યાઓમાંથી છૂટકારો મળે અને બધી જ કામગીરીઓ ક્ષતિઓ વિના કરવામાં આવે એમ પણ અપેક્ષિત લેખાય. મહાનગરપાલિકાએ આ માટે યોગ્ય મોનિટરીંગ અને સુપરવિઝન તથા ડેટા કલેક્શન વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ એવું નગરજનો ઈચ્છી રહ્યા છે.(file image)