Mysamachar.in:રાજકોટ
જામનગરનાં એક યુવાને વ્યાજખોરોનાં ત્રાસને કારણે થોડાં દિવસ અગાઉ રાજકોટમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું છે. મૃતકનાં ભાઈએ જામનગરનાં ત્રણ શખ્સો વિરુદ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. રાજકોટમાં માધાપર ચોકડી નજીક થોડાં દિવસ અગાઉ જામનગરનાં ધીરજ રમેશભાઈ પંચમતીયા (ઉંમર 28)એ માંકડ મારવાની દવા ગટગટાવી લીધી હતી અને ત્યારબાદ તેને સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ યુવાન જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં મુરલીધર સોસાયટી-2 માં રહેતો હતો અને RO વોટર પ્લાન્ટનું કામ કરતો હતો.
પહેલી ઓગસ્ટે જામનગરથી રાજકોટ પહોંચી તેણે ઝેર પીધું હતું. સારવાર દરમિયાન તેનું મોત થયું છે. આ યુવાને ઝેર પીધું ત્યારે તેનાં પરિવારજનોએ રાજકોટ પોલીસને કહેલું કે, વ્યાજખોરીમાં ફસાઈ જતાં અને કોરાં સ્ટેમ્પ પેપર પર તેની સહીઓ લઈ લેવામાં આવતાં તેણે ઝેરી દવા પીધી હતી. મૃતક ધીરજ પોતાનાં પરિવારમાં ત્રણ ભાઈઓમાં વચેટ ભાઈ હતો, અને અપરણીત હતો. તેનાં પરિવારજનોએ પોલીસને કહ્યું છે કે, ધંધાના કામ માટે ધીરજે વ્યાજે નાણાં લીધાં હતાં. અને બાદમાં તેણે રૂપિયા 4 લાખનાં બદલામાં રૂપિયા 8 લાખ ચૂકવી પણ આપ્યા હતાં. છતાં તેની પાસે વધુ રૂપિયા 15 લાખ માંગી ધમકીઓ આપવામાં આવતી હતી.
રાજકોટની ગાંધીગ્રામ પોલીસે મૃતકનાં ભાઈ દિવ્યેશ પંચમતીયાની ફરિયાદનાં આધારે જામનગરનાં ત્રણ શખ્સો પૃથ્વીરાજસિંહ કંચવા, લવ અગ્રાવત અને શ્યામ કુબાવત વિરુદ્ધ IPCની કલમ 306, 386, 506(2) તથા મનીલેન્ડિંગ એકટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.