Mysamachar.in-જામનગર:
સમગ્ર સૌરાષ્ટ્રની સાથેસાથે જામનગર જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન જિલ્લામાં 6 ઈંચ સુધીનો વરસાદ વરસ્યા બાદ આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન, જોડિયામાં વધુ 2 ઈંચ વરસાદ અને 8 થી 10 વાગ્યા દરમિયાન વધુ 1 ઈંચ વરસાદ નોંધાતા જોડિયાનો 28 કલાકનો વરસાદ સાડા નવ ઈંચના આંકડે પહોંચી ગયો છે.
આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન જામનગરમાં અઢી ઈંચ, જોડિયામાં સાડા છ ઈંચ જેટલો, ધ્રોલમાં 1 ઈંચ જેટલો, કાલાવડમાં એક ઈંચથી વધુ, લાલપુરમાં દોઢ ઈંચથી વધુ અને જામજોધપુર ખાતે 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયા બાદ આજે સવારે જોડિયામાં વધુ 3 ઈંચ વરસાદ પડ્યો છે.
આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પૈકી સૌથી વધુ 6 ઈંચ વરસાદ જામજોધપુર તાલુકાના ધ્રાફામાં નોંધાયો છે, આ ઉપરાંત જામવાડીમાં 4 ઈંચથી વધુ, બાલંભા અને વાંસજાળિયામાં 4 ઈંચથી થોડો ઓછો, મોડપર અને શેઠવડાળામાં સાડા ત્રણ ઈંચ જેટલો, હડીયાણા, ધૂનડા અને પડાણામાં 3-3 ઈંચ, મોટા ખડબામાં અઢી ઈંચ, મોટા વડાળા અને મોટા પાંચ દેવડામાં 2 ઈંચથી વધુ અને વસઈ, લાખાબાવળ,મોટી બાણુંગાર, ફલ્લા, મોટી ભલસાણ, અલિયાબાડા, દરેડ, પીઠડ,લતીપુર, ભલસાણ બેરાજા, નવાગામ, સમાણા, ભણગોર અને હરિપરમાં એકથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ સિઝનમાં અત્યાર સુધીમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ જામજોધપુરમાં 30 ઈંચ જેટલો, કાલાવડમાં 21 ઈંચથી વધુ, જોડિયામાં 21 ઈંચ જેટલો, જામનગરમાં 18 ઈંચ જેટલો, લાલપુરમાં 16 ઈંચથી વધુ અને ધ્રોલમાં અત્યાર સુધીમાં માત્ર 11 ઈંચથી પણ ઓછો વરસાદ થયો છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ જામજોધપુરના સમાણામાં 36 ઈંચ જેટલો નોંધાયો છે અને સિઝનમાં સૌથી ઓછો વરસાદ ધ્રોલના લતીપરમાં માત્ર સવા બે ઈંચ જેટલો વરસાદ થયો છે.