Mysamachar.in-જામનગર:
અગાઉ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવેલી કે, સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં સામાન્યથી માંડી ભારે વરસાદ સુધીની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોની સાથેસાથે જામનગર જિલ્લામાં પણ મોટાભાગના સ્થળોએ વરસાદે હાજરી પૂરાવી છે, પાછલાં 24 કલાકમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ લાલપુર તાલુકામથકે નોંધાયો છે.
આજે સવારે 6 વાગ્યે પૂર્ણ થયેલાં 24 કલાક દરમિયાન લાલપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાવાની સાથે અન્ય તાલુકામથકોએ પણ વરસાદ નોંધાયો છે. જામનગર પોણાં બે ઈંચ જેટલો(રાત્રે 10 થી 2 વાગ્યા દરમિયાન), જોડિયા અને ધ્રોલ તાલુકામથકોએ એક-એક ઈંચ, કાલાવડ તથા જામજોધપુર તાલુકામથકોએ સવા-સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આ પાછલાં 24 કલાક દરમિયાન, જિલ્લાના લગભગ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયાના અહેવાલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ જામજોધપુર તાલુકાના જામવાડી અને સમાણા ખાતે પોણાં બે ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત શેઠવડાળા, વાંસજાળિયા, ધુનડા, ધ્રાફા અને પરડવામાં દોઢ ઈંચ આસપાસ તથા લાલપુરના ભણગોર અને હરિપરમાં પણ દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો. એકથી સવા ઈંચ જેટલો વરસાદ મોટા ખડબા, મોડપર, નવાગામ, ભલસાણ બેરાજા, દરેડ, મોટી ભલસાણ અને લાખાબાવળમાં નોંધાયો છે અને જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં અડધાંથી એક ઈંચ જેટલો અથવા હળવા ઝાપટાંના રૂપમાં વરસાદ નોંધાયો છે.(file image)
